પાટણ શહેરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયુ હતું. સાવરની ઠંડીના ચમકારાને કારણે પતંગ રસિકો સૂરજ દેવતાનાં દર્શન બાદ જ ધાબા પર ચડ્યા હતા. પવનની મંદ ગતિને કારણે પતંગ રસિકો થોડા નિરાશ થયા હતા.
જો કે, બપોરના સમયે પવનને વેગ મળતા, એ કાઈપો છે... એ લપેટ...ની બુમોથી ધાબાઓ ગૂંજી ઉઠ્યા હતા. આનંદ ઉત્સવના પર્વ એવા ઉત્તરાયણને મનાવવા નાના બાળકો તેમજ મોટેરોથી ધાબાઓ ભરચક જોવા મળ્યા હતા. પતંગ ચગાવવા ઉપરાંત ધાબા પર ગોઠવવામાં આવેલા ડી.જે. સાઉન્ડ સિસ્ટમ પર પતંગવીરો ગરબા તેમજ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ઉત્તરાયણ પર્વમા ઊંધિયું અને જલેબી ખાવાની સર્વાનુમતે સ્વીકારાયેલી પરંપરા હોવાથી શહેરની વિવિધ ફરસાણની દુકાનો પર સવારથી જ ઊંધિયું અને જલેબી લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી.
લોકોએ ખરીદી કરી ધાબા પર ઊંધિયા જલેબીની લિજ્જત માણી હતી. તો બીજી તરફ આ પર્વમાં દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે. લોકોએ ગાયોને ઘાસ ખવડાવીને દાન પુણ્ય કર્યું હતું. તો કેટલાક લોકોએ ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ પણ એકત્રીત કર્યું હતું.
આમ પાટણમાં શહેરીજનોએ પતંગોત્સવના પર્વને આનંદપૂર્વક ઉજવી દાનપુણ્ય કરવાની પરંપરાને જાળવી રાખી હતી. સ્વાદિષ્ટ વાનગીઓની લિજ્જત માણી આ પતંગ ઉત્સવને આનંદ લૂંટ્યો હતો.