● ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું કરાયું સન્માન
● બાલીસના ખાતે વિવિધ સમાજના આગેવાનોએ કર્યું નરેશ પટેલનું સન્માન
● બાલીસણાથી સંડેર સુધી યોજાઈ ભવ્ય બાઇક રેલી
● સંડેર ગામે નિર્માણ પામનારા ખોડલધામ સ્થળનું કર્યુ નિરીક્ષણ
● પાટીદાર સમાજ અન્ય સમાજો માટે માર્ગદર્શક બને: નરેશ પટેલ
પાટણઃ તાલુકાના સંડેર ગામેં આગામી વર્ષોમાં આકાર પામનારા ભવ્ય ખોડલધામ સંકુલ માટેની જગ્યા નિહાળવા આવેલા કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને સત્કારવા બાલીસણા અને સંડેર ગામે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળોએ મોટી સંખ્યામાં પાટીદાર સહિત તમામ સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું હતું અને બાલીસણાથી સંડેર સુધી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી.
મુલાકાતે આવેલા આગેવાનોનું સન્માન કરાયું
સંડેર ગામેં ખોડલધામ સંકુલની જગ્યાના નિરીક્ષણ પૂર્વે નરેશ પટેલ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનોએ ઊંઝા ખાતે માં ઉમિયાના ધામની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંના ટ્રસ્ટીઓ સાથે સમાજ ઉત્થાન માટે ચર્ચા વિચારણા સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેઓ બાલીસણા ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર ચોકમાં યોજાયેલા સમારંભમાં ગ્રામજનો, બ્રહ્મસમાજના, આગેવાનો, મુસ્લિમ સમાજ, રાજપૂત સમાજ, દેસાઈ સમાજ તેમજ અન્ય નાના-મોટા સમાજના આગેવાનોએ તેઓને સાલ પાઘડી અને લાકડી અર્પણ કરી સન્માન કર્યું હતુ.
ગુજરાતના પાટીદારોને એક તાંતણે બાંધવા આવ્યો છુંઃ નરેશ પટેલ
બાલીસણાથી બાઇક રેલી સાથે રસાલો સંડેર ગામએ નિર્માણ પામનારા ખોડલધામ સંકુલની જગ્યા પર આવી પહોંચતાં પાટીદાર આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં યોજાયેલા સત્કાર સમારંભને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના પાટીદારોને એક તાંતણે બાંધવા આવ્યો છું. પાટીદાર સમાજ અન્ય સમાજો માટે માર્ગદર્શક બને અને તેનાથી દરેકને ફાયદો થાય તેવા કાર્યો કરવાના છે. કાગવડ ખાતે ખોડલધામની સ્થાપના બાદ સમાજ એક થયો છે. સૌરાષ્ટ્રના દરેક ગામોમાં પાટીદાર સમાધાન પંચની રચના કરવામાં આવી છે. જેના થકી અનેક પ્રશ્નો ઉકેલાયા છે. ખાસ કરીને કોર્ટ-કચેરીમાં થતાં કેસ અટક્યા છે. સંડેરમાં ખોડલધામ સંકુલનો કામ ઝડપથી પૂર્ણ થાય તે માટેના તમામ સહકારની તેઓએ ખાતરી આપી હતી.
30 વિઘા જમીનમાં નિર્માણ થશે ખોડલધામ કૃષિ સંશોધન
30 વિઘા જમીનમાં નિર્માણ થશે ખોડલધામ કૃષિ સંશોધન સાથે યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અધ્યતન સેન્ટર બનશે. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, સંડેર ગામમાં 30 વીઘા જમીનમાં આધુનિક ખોડલધામ સંકુલ બનશે. મંદિર સાથે કૃષિ સંશોધન કેન્દ્ર યુવાનો માટે સરકારી નોકરીમાં રોજગારી મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનુ અદ્યતન સેન્ટર બનાવવામાં આવશે. તેમજ આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
સન્માન સમારંભમાં સરકારની ગાઇડ લાઇનનુ થયું ઉલ્લઘન
સંડેર ખાતે નિર્માણ પામનાર ખોડલધામ સંકુલ દરેક સમાજને ઉપયોગી થાય તે રીતે બનાવવામાં આવશે. સત્કાર સમારંભ કાર્યક્રમમાં રેલી દરમિયાન સ્વાગતમાં તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકારની કોરોના ગાઇડ લાઇન ના ધજાગરા ઉડયા હતા મોટાભાગના લોકોએ સોશિયલ સાયન્સ સાથે માસ્ક બાંધવાનું પણ ટાળ્યું હતું.