પાટણઃ જિલ્લાના સિદ્ધપુર ચાર રસ્તા પર આવેલા સરદાર કોમ્પલેક્સમાં નશામુક્તિ કેન્દ્ર ચાલે છે. અહીં સારવાર લઈ રહેલા યુવકનું 20 દિવસ પહેલા શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે, આ બનાવમાં મૃતક યુવાનને ઢોર માર મારી તેની હત્યા કરવામાં આવી હતી, પરંતુ યુવકના મૃત્યુ અંગેની ખોટી માહિતી આપી તેમના પરિવાર પાસે મૃતકની અંતિમવિધિ કરાવવામાં આવી હતી. ત્યારે આ મામલે મૃતકના મામાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 આરોપીને ઝડપી લીધા હતા. ત્યારે હવે આ મામલે પોલીસે વધુ 2 ફરાર આરોપીની ધરપકડ કરી લીધી છે.
સીસીટીવી ફૂટેજે ભેદ ઉકેલ્યોઃ જિલ્લામાં ચાલતા જ્યોના નશામુક્તિ કેન્દ્રમાં નશાથી છૂટકારો મેળવવા હાર્દિક રમેશભાઈ સુથાર નામનો વ્યક્તિ સારવાર લઈ રહ્યો હતો. જોકે, તેણે ઘરે જવાની જીદ કરતા નશામુક્તિ કેન્દ્રના સંચાલક સહિત 9 શખ્સોએ તેને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, આ મામલે આરોપીઓએ મૃતકના પરિવારજનોને કુદરતી મોત થયું હોવાની ખોટી માહિતી આપી મૃતકની અંતિમવિધિ કરાવી નાખી હતી. જોકે, પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે 8 આરોપીઓને દબોચ્યાઃ આ હત્યા પ્રકરણમાં ફરિયાદ બાદ પાટણ પોલીસે 9 આરોપીઓ પૈકી પાટણ જ્યોના નશામુક્તિ કેન્દ્રના સંચાલક સહિત 6 આરોપીઓને ઝડપી લીધા હતા, જેઓ હાલ રિમાન્ડ ઉપર છે. જોકે, ફરાર ત્રણ આરોપીઓ પૈકી ગૌરવ ઈશ્વરભાઈ રાંદેરી (રહે. નાનપુરા, સુરત) અને જેનિસ રાજેશભાઈ તાડા (રહે. કતારગામ સુરત)ને પાટણ એલસીબી પોલીસે સુરતથી ઝડપી લીધા છે, જેઓને આજે પાટણ લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક ફરાર રાજકોટના આરોપી જયદીપને ઝડપી પાડવા પાટણ એલસીબી પોલીસે રાજકોટ પંથકમાં તેના આશ્રયસ્થાનો પર તપાસ ચલાવી રહી છે.
ગુનાનો વ્યાપ ગુજરાતના મોટા શહેરોમાં વિસ્તરેલો છેઃ આ સમગ્ર હત્યા કેસ મામલે ડીવાયએસપી કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુનાની તપાસનો વ્યાપ ગુજરાતના મોટા શહેરોમાં વિસ્તરેલો છે. જ્યોના નશામુક્તિના કેન્દ્રો સમગ્ર ઉત્તર ગુજરાતના મોટા શહેરો ઉપરાંત રાજકોટ, સુરત, નવસારી, મહેસાણા સહિત અનેક શહેરોમાં આવેલા છે. અન્ય આરોપીઓના નામ પણ ખૂલી શકે તેમ છે. નશાથી છૂટકારો મેળવવા સારવાર લઈ રહેલા નિર્દોષ યુવાન હાર્દિકની ઘાતકી હત્યા મામલે નશામુક્તિ કેન્દ્રમાંથી ગુના સંબંધિત પૂરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.
અન્ય સીસીટીવી મેળવવા પોલીસે શરૂ કરી કામગીરીઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૃતકના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો તે સ્મશાન ભૂમિની આજૂબાજૂના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ લેવામાં આવ્યા છે. જ્યારે નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. આ હાર્દિકના મૃતદેહને રાત્રિ દરમિયાન ગાડીમાં લઈ પાટણની આજૂબાજૂના 40 કિલોમીટરની ત્રિજ્યામાં કેન્દ્રના સંચાલક સહિતના આરોપીઓ ફર્યા હતા. તેઓ જ્યાં જ્યાં ફર્યા હતા તે વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે.