- રાણી ઉદયમતીએ 11મી સદીમાં પતિ ભીમદેવની યાદમાં વાવનું નિર્માણ કર્યું હતું
- રાણીની વાવ ખાતે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
- મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા
પાટણ : અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમાં અગિયારમી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કર્યું હતું. સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઇ ગઇ હતી. 20મી સદીમાં આ વાવને મૂળ રૂપમાં લાવવા પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખલનની કામગીરી શરૂ કરતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
દેશના અન્ય રાજ્યો કે વિદેશના લોકો આ વાવથી અજાણ હતા
માટીમાં ધરબાયેલી રાણીની વાવનું ઉત્ખનન કર્યા પછી શિલ્પ અને સ્થાપત્યની બેજોડ કારીગરી સમાન આ વાવ માત્ર ગુજરાતમાં જ આકર્ષણનું કેન્દ્ર હતી. દેશના અન્ય રાજ્યો કે વિદેશના લોકો આ વાવથી અજાણ હતા. વાવ પરિસરમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ પણ ન હતી. માત્ર રક્ષિત સ્મારક તરીકે તેની ગણના થતી હતી.
2003માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી રાણીની વાવ પરિસરમાં કર્યું હતું
સદીઓ જુની આ વાવમાં રહેલી કલા પોતાની પ્રત્યે રાજકીય આગેવાનોનું ધ્યાન કેન્દ્રિત થતા પાટણના ઐતિહાસિક વારસા સમાન આ વાવને વિશ્વ ફલક પર ચમકાવવા બીડું ઝડપ્યું હતું. શહેરની વિવિધ સંસ્થાઓ પણ તેમાં સહભાગી થઈ હતી. રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી રાણીની વાવ પરિસરમાં કરીને વાવને વિશ્વસ્તરે લાવવા માટે જહેમત હાથ ધરી હતી.
25 જૂન 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું
રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિએ દોહા ખાતે 25 જૂન 2014માં યોજાયેલી બેઠકમાં શિલ્પ સ્થાપત્યના બેનમૂન વારસો ધરાવતી આ વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું હતું. રાણીની વાવ વિશ્વ ફલક પર ચમકતા તેને અનુરૂપ પરિસરમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દેશ-વિદેશના પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે અધ્યતન શૌચાલય, પાર્કિંગની વ્યવસ્થા, પર્યટકો સહેલાઈથી રાણીની વાવનો ઇતિહાસ જાણી શકે તે માટે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં શિલાલેખ તેમજ વાવ ફરતે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે.
સહેલાઈથી ટિકિટ મેળવી શકે તે માટે ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા
આ ઉપરાંત પ્રવાસીઓને સહેલાઈથી ટિકિટ મેળવી શકે તે માટે ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરાઈ છે.બહારથી આવતા પ્રવાસીઓને વાવની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે ગાઈડની પણ વ્યવસ્થા કરાઈ છે. રાણીની વાવ ખાતે હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે.
આ પણ વાંચો : કોરોના મહામારીને પગલે પાટણમાં રાણકી વાવ ફરીવાર પ્રવાસીઓ માટે બંધ
પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
રાણીની વાવ આ બાબતે આર્ટ્સ કોલેજ પાટણના આચાર્ય અને ઇતિહાસકાર પ્રોફેસર લલિત પટેલે જણાવ્યું હતું કે, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યા પહેલા રાણીની વાવ ખાતે કોઈ સુવિધાઓ ન હતી. તે માત્ર એક રક્ષિત સ્થાન હતું. અહીંયા માત્ર ગુજરાતમાંથી મર્યાદિત પ્રવાસીઓ આવતા હતા. રાણીની વાવ પરિસર ખાતે કોઈ જ સુવિધાઓ ન હતી પણ હાલમાં અહીંયા પ્રવાસીઓને આકર્ષવા માટે સુવિધાઓ સાથેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે. પ્રવાસીઓને રાણીની વાવની ઇતિહાસની ડોક્યુમેન્ટરી પણ બતાવવાની વ્યવસ્થા કરાઈ છે. જેથી અગાઉ કરતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
પ્રાચીન ગુજરાતની રાજધાની રહી ચુકેલી પાટણમાં રાણી ઉદયમતીએ બનાવેલી આ વાવ સદીઓ પહેલા પાણી સંગ્રહનું મૂલ્ય પણ સમજાવે છે. સાત માળની આ વાવમાં પાણીનો સંગ્રહ અને ઉપયોગ કઈ રીતે કરવો તે સમયના સ્થાપત્યકારોએ એક અદ્ભુત સમજ પૂરી પાડી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ અંકિત કરતા રાણીની વાવ સાથે પાટણનું ગૌરવ વધ્યું છે.
આ પણ વાંચો -
- ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
- દિવાળીના મિની વેકેશનમાં 10 હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની લીધી મુલાકાત
- પાટણની રાણકી વાવમાં 2018 કરતા 1 લાખ પ્રવાસીઓનો ઘટાડો, આવકમાં 24 લાખનો વધારો
- સંગીતની સુરાવલીઓ સાથે રાણકીની વાવ મહોત્સવનું સમાપન, કલાકારોએ રાણકી વાવ સૂરથી સજાવી
- CM રૂપાણી પહોંચ્યા રાણકી વાવ, વિરાસત મહોત્સવને ખુલ્લો મૂક્યો
- પાટણની રાણકી વાવમાં બે માળ સુધી ભરાયા પાણી