પાટણ: મુખ્ય બજાર ખાતે જૂની અંબાબાઈ ધર્મશાળાના સ્થાને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂપિયા 1.25 કરોડ ના ખર્ચે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યુ છે. 100 પથારીની સુવિધા ધરાવતું નવનિર્મિત શેલ્ટર હોમ ફેમિલી ડોરમેટ્રી અને ભોજન કક્ષ સહિતની સુવિધાઓથી સજ્જ છે. પાટણ નગરપાલિકા સંચાલિત આ શેલ્ટર હોમ ના સંચાલન પાછળ વર્ષે રૂપિયા 11 લાખ લેખે આવનારા પાંચ વર્ષોમાં રૂપિયા 55 લાખ જેટલો ખર્ચ સરકાર કરશે.
આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ઠંડી, તાપ અને વરસાદના સમયમાં ઝુંપડા બાંધી રહેતા પાટણ શહેરના ગરીબ, નિરાધાર અને ઘરવિહોણા લોકોની દરકાર કરી સંવેદનશીલ સરકાર દ્વારા રેનબસેરા યોજના હેઠળ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે. ગરીબો અને વંચિતોના વિકાસની નેમ સાથે પંડિત દિનદયાલજીના માનવસેવાના સંસ્કારોને રાજ્ય સરકારે સાર્થક કર્યા છે.