- રાધનપુરમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- UGVCL હસ્તકના રાધનપુર સબ સ્ટેશન અને પાંચ ફિડરનો સમાવેશ
- 30 ગામનાં 800થી વધુ ખેડૂતો ને મળશે દિવસે વીજળી
પાટણ : ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હતી. જેના કારણે ખેડૂતોને રાત્રિના ઉજાગરા કરવા પડતા હતા. તેમજ જંગલી પશુઓ કે જીવજંતુઓ કરડવાનો ડર રહેતો હતો. આ સાથે જ તેમના પરિવારજનો પણ ચિંતામાં રહેતા. ખેડૂતોની આવી મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસના સમયે વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય કરી તબક્કાવાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કિશાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શનિવારે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મહેસાણા સર્કલના તાબા હેઠળના રાધનપુર સબ સ્ટેશન અને તે અંતર્ગત 05 ફિડરોનો સમાવેશ કરી કુલ 30 ગામોના 730 ખેડૂત લાભાર્થીઓને દિવસના સમયે વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે.
દિવસ વીજળી મળતા ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનુ આવશે નિરાકરણ : દિલીપ ઠાકોર
ખેડૂતોને દિવસે આઠ કલાક થ્રી ફેઝ વીજળી મળતા તેની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા કેબિનેટ પ્રધાને જણાવ્યું કે, માત્ર ખેડૂતોનું દેવું માફ કરવાથી નહીં, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી, સમયસર જરૂરી વીજ પુરવઠો અને ખાતર મળી રહે તેવી વ્યવસ્થા સરકારે સુનિશ્ચિત કરી છે. જેના થકી ખેડૂત આત્મનિર્ભર થશે અને તેની આવકમાં વૃદ્ધિ થશે.