અમદાવાદઃ ભાદરવા સુદ ત્રીજના દિવસે મહિલાઓ કેવડા ત્રીજ વ્રત કરી તેની વિધિવત રીતે પૂજા કરે છે. આ વ્રતની પાછળ ધાર્મિક કથા વણાયેલી છે. ભગવાન શિવને મેળવવા માટે પાર્વતીએ જંગલમાં જઇ ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવી કેવડાથી આ લિંગ પર પૂજા કરી હતી જેથી તે કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય રીતિરિવાજમાં પારિવારિક સુખશાંતિ અને પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ધાયુષ માટે આખી જિંદગી આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરતી હોય છે.
આજે ભાદરવા સુદ ત્રીજની કેવડા ત્રીજનો દિવસ હોવાથી શહેરના વિવિધ શિવમંદિરોમાં મહિલાઓએ માટીમાંથી ભગવાન શિવનું ચલિત લિંંગ બનાવી તેની પર કેવડો ચડાવી મત્રોચ્ચાર સાથે પૂજા કરી પરિવારમાં સુખશાંતિ બની રહે તે માટેની પ્રાર્થના કરી હતી.