- પાટણમાં દુર્ગાષ્ટમીએ માં કાળી અને મહાલક્ષ્મીનું થયું મિલન
- ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો
- પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
પાટણ : પ્રાચીન નગર ગણાતા પાટણ શહેરના નગર દેવી કાલિકા માંતાના મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાંજે માતાજીની પાલખીયાત્રા વાજતે ગાજતે નિજ મંદિરેથી નીકળી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી ત્રણ દરવાજા પાસે આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરે પહોંચી હતી, ત્યાં આરતી બાદ આ યાત્રા કાલિકા માતા મંદિરે પરત ફરી હતી. પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
વર્ષોથી દુર્ગાષ્ટિમીના રોજ માતાજીની પાલખી યાત્રા નગરમાં નીકળે છે
ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત પ્રાચીન નગરી પાટણના નગરદેવી માં કાલિકાના ઐતિહાસિક મંદિર ખાતે ધામધૂમ પૂર્વક દુર્ગાષ્ટિમીની પૂજા વિધિ કરવામાં આવી હતી. 800 વર્ષથી પણ વધુ પ્રાચીન કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ કાલિકા માતાને પાટાણના નગર દેવી માનવામાં આવે છે. અને વર્ષોથી દુર્ગાષ્ટિમીના રોજ માતાજીની પાલખી યાત્રા નગરમાં નીકળે છે, જેથી હાલમાં ચાલતા નવરાત્રી પર્વમાં દુર્ગાષ્ટમીના દિવસે ધામધૂમ પૂર્વક નગર દેવીની પાલખી યાત્રા નીકળી હતી.
વર્ષોની પરંપરા આજે પણ નગરદેવી કાલિકા માતા મંદિરમા જળવાઈ છે
નવરાત્રી પર્વ એ જગત જનનીનું પર્વ કહેવાય છે અને શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ માં કાલિકાને લક્ષ્મીજીના મોટા બહેન કહેવાયા છે. અને એટલે જ પાટણમાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુંજબ દુર્ગાષ્ટમીના દિવસે મોટા બહેન નાની બહેનને મળવા સ્વયં પાલખીમાં બિરાજમાન થઈ નગરમાં નીકળે છે. જે પરંપરા આજે પણ અહીંયા અકબંધ રહેવા પામી છે. માતાજીની પાલખી શહેરના વિવિધ વિસ્તારોમાં થઇ મહાલક્ષ્મી મંદિરે પહોંચી હતી. જ્યાં બંને બહેનોનો સંગમ થતા મોટી સાંખ્યમાં દર્શનાર્થે આવેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં રાવણ દહનને લઇને મોટો નિર્ણય, 400 લોકોની મર્યાદામાં યોજી શકાશે કાર્યક્રમ
આ પણ વાંચો : નવમું નોરતું: નવરાત્રીના છેલ્લા દિવસે માતા સિદ્ધિદાત્રીનો મહીમા જાણીએ...