પાટણ: ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી બાલાજી ગ્રીન, ભવાની રેસીડેન્સી, રામનગર અને પાર્થ રેસિડેન્સી સોસાયટીમાં ગત 1 વર્ષથી પીવાના પાણીનો પૂરવઠો અનિયમિત અને અપૂરતો આવે છે. જેથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ સોસાયટીઓમાં 3 ઇંચની પાઈપ લાઈન હોવાના કારણે પાણીનો અપૂરતો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે. જેના કારણે સોસાયટી વિસ્તારના લોકોને ટેન્કર મગાવાની ફરજ પડે છે.
આ અંગે તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા મંગળવારે સોસાયટીની મહિલાઓએ નગરપાલિકા પહોંચી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વોટર વર્કસના ચેરમેનને આવેદનપત્ર આપી સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માગ કરી હતી.