● પાટણ પોલીસે લૂટ ચલાવનાર ટોળકીને ઝડપી
● રાત્રિના સમયે ચાર બૂકાનીધારીઓએ ચલાવી હતી લૂટ
● વૃદ્ધનું ગળું દબાવી ડોવરમાંથી 50,000 રોકડા અને મોબાઇલની ચલાવી હતી
● સીસીટીવી ફૂટેજના આધારે લૂટનો ભેદ ઉકેલાયો
● એક આરોપી વિદેશ જવામાં સફળ થાય તે પહેલા જ પોલીસે મુંબઈથી દબોચ્યો
પાટણ: શહેરના ગોળ શેરી વિસ્તારમાં નૂતન હાઈસ્કૂલની બાજુમાં આવેલા કોકાના પાડામાં રહેતા પ્રકાશભાઈ પન્નાલાલ શાહ ગત તારીખ 10મીના રોજ રાત્રે 8 વાગ્યાના સુમારે પોતાના ઘરમાં એકલા હતા. તે દરમિયાન 4 અજાણ્યા શખ્સોએ એકા એક ઘરમાં પ્રવેશ કર્યો હતો અને વૃદ્ધનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં રહેલા ટીવીના ડોવરમાં પડેલા રૂપિયા 50 હજારની રોકડ રકમ અને 2500 રૂપિયાનો મોબાઇલ મળી 52,500 ની મત્તાની લૂટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતાં એ-ડિવિઝન PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે લૂટારૂઓને શોધી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મડર સહિત 8 ગુનાઓમાં સપડાયેલા આરોપીની કરી ધરપકડ
લૂટની ઘટનામાં આરોપીને દબોચી લેવાયો
લૂટની ઘટનામાં રીઢો ગુનેગાર અલ્પેશ ઉર્ફે અપ્પુડી પરસોત્તમ પટેલ રહે પાટણવાળાનો ચહેરો સીસીટીવી કેમેરામાં દેખાઈ આવતા અને તે આ લૂંટના બનાવમાં સામેલ હોવાનું ફલિત થતાં પોલીસે તેના પર વોચ રાખી હતી. દરમિયાન આ લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ રાણીની વાવ વિસ્તારમાં લૂંટના માલની વહેંચણી માટે ભેગા થવાની બાતમી મળતા પોલીસે સિવિલ ડ્રેસમાં વોચ ગોઠવી આસપાસના વિસ્તારને કોર્ડન કરી અલ્પેશ પટેલ અને મોહમ્મદ સોહેલ મલેકને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી.જેમાં મોહમ્મદ ઇમરાન શેખ પણ આ લૂંટમાં સામેલ હોવાનું જણાવી તે દુબઇ જવા મુંબઈ ગયો હોવાનું જણાવતાં પોલીસે મોહમ્મદ ઇમરાનને ફ્લાઈટમાં બેસે તે પહેલાં જ દબોચી લીધો હતો.
આ પણ વાંચો: અંજારમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 60 થી 65 લાખની લૂંટ ચલાવાઈ
આ લૂટમાં સંડોવાયેલા ચોથો આરોપીઓની પૂછપરછ કરવામાં આવી
આ લૂટમાં સંડોવાયેલા ચોથો આરોપી જુવેનાઈલ હોઈ તેના વાલીનો સંપર્ક કરી તેની હાજરીમાં પૂછપરછ કરતાં તેની પાસેથી 2500ની કિંમતનો મોબાઇલ તેમજ અન્ય ત્રણ આરોપીઓ પાસેથી રૂપિયા 41000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હિસ્ટ્રીશીટર ગુનેગાર સામે આઠ ગુનાઓ અત્યાર સુધી નોંધાયા છે
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ આ લૂંટના ગુનામાં પકડાયેલા આરોપીઓની માહિતી આપતા જણાવ્યું હતું કે અલ્પેશ પટેલ રીઢો ગુનેગાર છે. તેની ઉપર અત્યાર સુધીમાં 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે મોહમ્મદ ઇમરાન અને મોહમ્મદ સોહેલ ઉપર એક એક ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.