પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૮૭ માં મૈયત યુસુફ નુરમહંમદ નાંદોલિયા પાસેથી ફાર્મહાઉસ , બંગલો સહિતની જમીન સંપાદન કરી હતી, જેના વળતર પેટેની રકમ ઓછી પડતા જમીન માલિક પરીવાર દ્વારા મહેસાણા સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ સુધી કાનુની જંગ લડવામાં આવી હતી, જેનો ચુકાદો જમીન માલિકની તરફેણમાં આવ્યો હતો. છેલ્લે ગુજરાત હાઇકોર્ટે પણ ચાર મહિનામાં વળતર ચુકવી દેવા યુનિવર્સિટીને હુકમ કર્યો હતો. છતાં વળતર ચુકવવામાં નહીં આવતા મૈયત યુસુફ નુરમહંમદ નાંદોલીયાના પુત્ર ઇકબાલ યુસુફ નાંદોલિયા એ વળતર મેળવવા પાટણના પ્રિન્સીપાલ સિનીયર સીવીલ જજની કોર્ટમાં દરખાસ્ત કરી હતી.
જંગમ મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ: દરમિયાન પાટણના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું, જેમાં જણાવાયું છે કે , યુનિવર્સિટી વ્યાજ સહિત ૧૧ કરોડ ૫૪ લાખ ૧૬ હજાર ૭૦૬ રૂપિયાની રકમ ચૂકતે કરે અથવા અરજદાર જમીન માલિક બતાવે, તે પ્રમાણેની યુનિવર્સિટીની જંગમ મિલ્કત જપ્ત કરવી. કોર્ટનો વોરંટ હુકમ લઇ બેલીફ અને જમીન માલિક અરજદાર , વકીલ સાથે યુનિવર્સિટી ખાતે આવ્યા હતા અને રજીસ્ટ્રારને મળી વોરંટની બજવણી કરી તેની સમજ આપી હતી.
બજવણીની પ્રોસેસ અટકી: કોર્ટના આદેશ મુજબ વોરંટની બજવણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા યુનિવર્સિટીના સત્તાધીશો એ મોડી રાત્રે અરજદારના વકીલ અરજદાર સહિત ધારાસભ્યએ આ બાબતે મંત્રણાઓ કર્યા બાદ યુનિવર્સિટીના કુલપતિએ પ્રિન્સિપલ સિવિલ જજના નામનો પૂરેપૂરી રકમનો 11.54 લાખનો ચેક બેલીફને સુપ્રત કર્યો હતો. આ ચેક બેલીફે સ્વીકારતા વોરંટ બજવણીની પ્રોસેસ અટકી હતી.
કોર્ટના આદેશનો અનાદર: અરજદારના વકીલ યાકુબ મોમીને ચેક બાબતે જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ વોરંટમાં સ્પષ્ટ ઉલ્લેખ જંગમ મિલકત જપ્તીનો છે, ચેકનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. જેથી ચેકનો કોઈ મતલબ નથી. યુનિવર્સિટીએ આપેલ ચેક બેલીફે સ્વીકાર્યો છે અને આ બાબતે અમે રાજી નથી અમને શંકા છે કે આ ચેક કોર્ટમાં જમા થશે એટલે આ મેટરમાં હાઇકોર્ટમાથી સ્ટે આવી જશે. જેથી અરજદારને સમયસર નાણાં મેળવવામાં મુશ્કેલી પડશે. બેલીફ ચેક સ્વીકારીને કોર્ટના આદેશનું અનાદર કર્યો હોવાનો આક્ષેપ અરજદારના વકીલે કર્યો હતો.
પાટણના ધારાસભ્યની દરમિયાનગીરી: આ અંગેની જાણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને થતા તેઓ પણ મોડી રાત્રે યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા અને યુનિવર્સિટીના કુલપતિ,રજીસ્ટર તેમજ અરજદાર અને તેના વકીલ સાથે આ બાબતે ચર્ચાઓ કરી હતી. આ અંગે ધારાસભ્ય એ પત્રકારોને જણાવ્યુ હતું કે દોઢ મહિના પહેલા કોર્ટે યુનિવર્સિટીને તમામ પુરાવા આપ્યા હોવા છતાં યુનિવર્સિટીના અધિકારીઓએ કોઈ ચકાસણી ન કરતા આ ઇસ્યુ ઉભો થયો છે. યુનિવર્સિટીની જંગમ મિલકતની જપ્તી થાય તે સમગ્ર ઉત્તર ગુજરાત અને સરકાર માટે નામોશી ભરી બાબત કહેવાય. વર્ષોથી જે ખેડૂતોએ મોંઘી જમીનો આપી છે તેનું વળતર તાત્કાલિક ચૂકવી દેવું જોઈએ, આ બાબતે સરકારમાં પણ રજૂઆત કરવાનું ધારાસભ્ય એ જણાવ્યું હતું.