પાટણઃ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારના રોજ જેઠ માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે શુક્રવારે સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક સર્જાઈ હતી. ગરમીથી કંટાળેલા શહેરીજનો અને બાળકોએ મકાનના ધાબા ઉપર ચડી વરસાદમાં ભીંજાવાનો લ્હાવો લીધો હતો. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત જાહેર માર્ગો પર પાણી ફરતાં થયા હતા.
અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન કારણે છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, શુક્રવારે સાંજના સુમારે અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
પાટણ શહેર સહિત જિલ્લાના રાધનપુર, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને સમી પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. તેમજ પાટણ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ગરમીથી કંટાળેલા લોકોએ મન ભરી વરસાદમાં પલળવાની મજા માણી હતી, તો દ્વિચક્રી વાહનો પર પસાર થતાં શહેરીજનો પણ ભીંજાયા હતા.
ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, તેમજ કેટલાય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.