રાધનપુરઃ અવિરત વરસાદને લીધે રાધનપુર, પાટણમાં પણ ઠેર ઠેર પાણી ગયા છે. શહેરના અન્ય પ્રવેશ માર્ગો બંધ થતા કલેક્ટર કચેરી રોડ ઉપર વાહનોનો ઘસારો વધતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતો માટે આ વરસાદ આકાશમાંથી સોનાની જેમ વરસ્યો છે પરંતુ નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોમાં રોષઃ રાધનપુર શહેરમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મુશળધાર 6 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વર્તમાન ધારાસભ્ય લવિંગજી ઠાકોરના રહેણાંક વિસ્તાર એવા મસાલી રોડ ઉપર કેડ સમા પાણી ભરાયા હતા. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારની 27 જેટલી સોસાયટીઓ જલમગ્ન બની હતી. અનેક ઘરોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. નગર પાલિકા અને વહીવટી તંત્ર તેમજ રાજકીય આગેવાનો દ્વારા પાણી ભરાવાની આ કાયમી સમસ્યાનો ઉકેલ લવાતો નથી. પરિણામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાટણ શહેરમાં પણ અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાય છે. શહેરના પાણી ભરાવવાની કાયમી સમસ્યા ગ્રસ્ત રેલવે નાળામાં પાણી ભરાતા આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ માર્ગ પર ટ્રાફિક જામના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
વીજળી પડવાની ઘટનાઃ રાધનપુર તાલુકાના કમાલપુર અને કિલાણા ગામે વીજળી પડતા બે ભેંસ અને પાડીનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે કમાલપુર ગામે ખેંગાભાઇ ભરવાડના ઘરે દૂધ લેવા જઈ રહેલ કિંજલબેન અને નૂર મોહમ્મદ નાગોરી પર વીજળી પડતા બંને જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલોને 108 મારફતે રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
કયા તાલુકામાં કેટલો વરસાદઃ સાંતલપુરમાં 53 mm, રાધનપુરમાં 156 mm, સિધપુરમાં 30 mm, પાટણમાં 29 mm,હારીજ માં 53 mm, સમીમાં 26 mm, ચાણસ્મામાં 38 mm, શંખેશ્વરમાં 34 mm, સરસ્વતીમાં 27 mm વરસાદ નોંધાયો છે.