પાટણઃ પાટણ શહેરમાં પ્રતિ વર્ષે ગણેશ મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઇ દરેક ધાર્મિક ઉત્સવોને સરકારની સુચના મુજબ સાદાઇથી ઉજવવામાં આવી રહ્યાં છે. ગણેશ મહોત્સવને લઇ પાટણમાં ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘરોમાં શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે સવારથી જ ઓતિયા પરિવારની દુકાનો પર શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, અબીલગુલાલની છોળો ઉડાડી શ્રીજીની પૂજાઅર્ચના કરી મૂર્તિઓને પોતાના ઘરે વાજતેગાજતે લઈ જઇ સ્થાપના કરવામાં આવી હતી.
શહેરના મુખ્ય માર્ગો પર દુકાનો ઉપરાંત લારીઓમાં પણ નાના અને મધ્યમ કદની ગણેશજીની મૂર્તિઓ વેચાતી જોવા મળી હતી. આમ શહેરમાં ગણેશ મહોત્સવને લઈ શહેરના માર્ગો મૂર્તિ ખરીદીને લઇ ગણેશમય બન્યાં હતાં. શહેરના હિંગળાચાચર ચોકમાં ગણપતિની પોળમાં આવેલ અતિપ્રાચીન ગણપતિ મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને અહીં મેળો પણ ભરાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે પ્રથમ વખત મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જેથી શ્રદ્ધાળુ ભક્તોએ મંદિરની બહારથી જ ગણેશજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં.