પાટણ : જિલ્લામાં ચોમાસુ લંબાતા અને ત્યારબાદ કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી, ત્યારે પાટણ પંથકમાં થતા ગાજરની ખેતી પણ ખુબજ મોડી થવા પામી હતી, પરંતુ મોડે મોડે પણ ખેડૂતોએ જે ગાજરનું વાવેતર કર્યું છે. તેમાં ઉત્પાદન સારું અને ભાવ પણ સારા મળતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
પાટણના ગાજર ગુજરાતમાં જ નહીં પરંતુ મુંબઇ અને અન્ય રાજ્યોમાં પણ નિકાસ થતા પાટણ શહેર અને આજુબાજુના ગામડાઓના ખેડૂતો ગાજરનું મોટું વાવેતર કર્યું છે અને તૈયાર થયેલા માલ પાટણ શાકમાર્કેટમાં વેચાણ અર્થે લાવી રહ્યા છે.
પંથકમાં સારા વરસાદ સાથે ઉત્તમ કવોલીટીના ગાજરનું ઉત્પાદન થયું છે. શાકમાર્કેટમાં મોટા પ્રમાણમાં ગાજરની આવક થતા ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. શરૂઆતમાં ૪૦૦થી ૫૦૦ના મણના ભાવો હતા, ત્યારબાદ હાલમાં 100થી 120 સુધીના ભાવો થવા પામ્યા છે. મજુરોના અભાવને કારણે ખેડૂતોને ગાજરની ખેતીમાં મુશ્કેલીઓ પડે છે. પણ ગત વર્ષની સરખામણીમાં ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ભાવ પોસાય તેમ હોવાનું જણાવી રહ્યા છે.
જિલ્લામાં ચોમાસુ લાંબા સમય સુધી યથાવત રહેતા પાટણ પંથકમાં ખેડૂતોએ ગાજરનું વાવેતર મોડુ કર્યું છે. જેથી પાક તૈયાર થવામાં પણ મોડુ થયું છે. પણ ગત વર્ષેની સરખામણીમાં ચાલુ વર્ષે ગાજરના ભાવ સારા મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
પાટણ ઉપરાંત આસપાસના રૂની રામનગર, ગોલાપુર, વામૈયા, રાજપુર, માડોત્રી અને હાસાંપુરા સહિતના ગામોમાં ગાજરનું 650 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે, ત્યારે પાક ઉત્પાદન પણ સારું મળતાં અને તેની સામે ભાવ પણ સારા મળાતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.