- પાટણના સ્થાપના દિન નિમિત્તે નગરદેવી કાલિકા માતા મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી
- રાજવી પરિવારોએ શોભાયાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવી
- શોભાયાત્રામાં રાજપૂત યુવાનોએ તલવારબાજીના કરતબ બતાવ્યા
- શોભાયાત્રામાં ઠેર ઠેર નગરજનો દ્વારા રાજ પરિવારોનું કરાયું સન્માન
પાટણ: શહેરનો આજે 1275મો સ્થાપના દિન હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. નગરદેવી કાલિકા માતાના મંદિરે પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ નિજ મંદિરથી શોભાયાત્રાને રાજવી પરિવારોએ ઝંડી આપી પ્રસ્થાન કરવી હતી. સિદ્ધરાજ જયસિંહના કુકડ ધ્વજ સાથે ઘોડેસવાર રાજપૂત આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને નગરપાલિકાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને માથે સાફા બાંધી શોભાયાત્રામાં જોડાતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. રાજપૂત યુવાનોએ શોભાયાત્રાના માર્ગો પર તલવારબાજી અને ઘોડેસવારીના કરતબ બતાવ્યા હતા. તો નગરજનો દ્વારા ઠેરઠેર વિવિધ સ્ટેટના રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
"પાટણની પ્રભુતા કાયમ રહો"ના નારા લગાવ્યા
શોભાયાત્રામાં સિદી ધમાલ નૃત્ય, આદિવાસી નૃત્ય અને ગરાસીયા નૃત્યએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. યાત્રા બગવાડા દરવાજે પહોંચતા રાજપૂત આગેવાનો અને પાટણના અગ્રણીઓએ વનરાજ ચાવડાના તૈલ ચિત્રને અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી "પાટણની પ્રભુતા કાયમ રહો"ના નારા લગાવ્યા હતા. નગર દેવીના મંદિરેથી નીકળેલી આ યાત્રા પ્રગતિ મેદાન સ્થિત અભિવાદન સમારોહ સ્થળે પહોંચી હતી. જ્યાં મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિવિધ સ્ટેટના રાજવીઓ રહ્યાં ઉપસ્થિત
નગરપાલિકા, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વણોદ સ્ટેટના રાજવી ઈનાયત ખાન રાઠોડ, થરા સ્ટેટના પૃથ્વીરાજસિંહ, કટોસન સ્ટેટના ધર્મપાલ સિંહ ઝાલાએ ખાસ ઉપસ્થિત રહીને ઉજવણીની શોભા વધારી હતી.