- મૂર્તિ બનાવનાર કારીગર મૂર્તિ બનાવવામાં વ્યસ્ત
- નાના મોટા કદની મૂર્તિઓને કારીગરો રંગરોગાન કરી સુશોભિત કરી રહ્યા છે
- લોકો ઉત્સાહભેર મૂર્તિઓના ઓર્ડર આપી રહ્યા છે
પાટણ- ઐતિહાસિક પાટણ નગર એટલે લોકમેળા, વ્રતો અને ધાર્મિક ઉત્સવોની નગરી. શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા પૂર્ણ થયા બાદ ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. છેલ્લા દસ વર્ષથી પાટણમાં ગણેશ ઉત્સવનો મહિમા વધ્યો છે. શહેરમાં વિવિધ મોહલ્લા, પોળોમાં ગણેશજીની ત્રણ, પાંચ, સાત અને 11 દિવસ સુધી સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે.
માટીની મૂર્તિઓની માંગ વધુ
ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પરંપરાગત રીતે મૂર્તિ બનાવનાર પરિવારના કારીગરો ગણેશજીની નાના-મોટા કદની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. ગણેશ મહોત્સવને લઈને પાટણના નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ દુકાનો પર જઈને મૂર્તિઓના ઓર્ડરો લોકો આપી રહ્યા છે. ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગ વિશેષ હોવાના કારણે કારીગરો દ્વારા માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે.
રૂપિયા 100થી 7000 સુધીની કિંમતની મૂર્તિઓ કરાઈ તૈયાર
મૂર્તિ બનાવનાર નવીનભાઈ અને નરેશ ઓતિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોના મહામારીના કારણે જૂજ મૂર્તિઓનું વેચાણ થયું હતું, જ્યારે ચાલુ વર્ષે સરકારે તહેવારોમાં છૂટછાટ આપી છે. જેને લઇને લોકો ઉત્સાહ સાથે મૂર્તિઓના ઓર્ડર આપી રહ્યા છે. ખાસ કરીને 100 રૂપિયાથી માંડી 7000 રૂપિયા સુધીની કિંમતની મૂર્તિઓ બનાવી છે. ગત વર્ષ કરતાં સારા એવા પ્રમાણમાં ઓર્ડરો મળી રહ્યા છે અને હજુ વધુ ઓર્ડર મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.