- દશેરાના તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- પાટણમાં ફાફડા-જલેબીની ખરીદીમાં ઘટાડો
- ફાફડા-જલેબીમાં ભાવ વધારો ન હોવા છતાં ખરીદી ઘટી
પાટણઃ શહેરમાં ગત વર્ષે મંદીનો માહોલ હોવા છતાં શહેરીજનોએ દશેરાના દિવસે આશરે ૫૦ લાખના ફાફડા જલેબીની જયાફત માણી હતી. જો કે, આ વર્ષે કોરોનાને લઇ બજારોમાં તહેવારોનો ઉત્સાહ દેખાતો નથી. દશેરામાં ફાફડા-જલેબીના વેચાણમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો હતો.
50થી વધુ સ્ટોલની સામે ચાલુ વર્ષે માત્ર 30 જેટલા સ્ટોલ ખુલ્યાં
પાટણમાં ફરસાણના વેપારીઓને ફાફડા-જલેબીનો 50 ટકા માલ ઓછો બનાવવાની ફરજ પડી હતી. દર વર્ષે ખુલતા ફાફડા-જલેબીના 50થી વધુ સ્ટોલની સામે ચાલુ વર્ષે માત્ર 30 જેટલા સ્ટોલ ખુલ્યા હતા. ચાલુ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં કોઇ પણ વધારો ન હોવા છતાં ખરીદીમાં ભારે ઘટ જોવા મળી હતી.
લાઈનમાં ઊભા રહ્યા વગર ગ્રાહકોને સરળતાથી મળ્યા ફાફડા જલેબી
એક સમયે દશેરાના દિવસે ફાફડા જલેબીની જયાફત મારનારા લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. જો કે, આ વર્ષે દશેરાના દિવસે ગ્રાહકોની ભીડ જોવા મળી ન હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોને લાઈનમાં ઉભા રહ્યા વગર સરળતાથી ફાફડા જલેબી મળી રહ્યા હતા.