પાટણ : દિવાળીના પાંચ સંપુટ તહેવારનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ધનતેરસના પાવન પર્વને લઈને પાટણના નગરજનોએ શુભ મુહૂર્તમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી. શહેરના ઝવેરી બજાર સહિત સોના-ચાંદીની દુકાનોમાં પાટણવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. જોકે, ઝવેરી અને વેપારીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. એક અંદાજ મુજબ પાટણમાં 5 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ થશે.
ધનતેરસનું મહત્વ : હિન્દુ સંસ્કૃતિમાં અમુક ચોક્કસ દિવસને અતિ શુભ માનવામાં આવે છે. જેને ગામઠી ભાષામાં વણ જોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. સોના-ચાંદીની ચીજ વસ્તુઓ તેમજ આભૂષણો ખરીદવા માટે પુષ્ય નક્ષત્રને શુભ મુહૂર્ત માનવામાં આવે છે. ઉપરાંત બીજું ધનતેરસના દિવસને પણ સોના-ચાંદીની ખરીદી માટે શુભ માનવામાં આવે છે.
પાટણમાં સોના-ચાંદીની ધૂમ ખરીદી : દિપાવલીના પાંચ સંપુટના પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ધનતેરસના શુભ દિવસે શહેરના વિવિધ લક્ષ્મી મંદિરમાં માતાજીની સુંદર આંગી કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરના ઝવેરી બજાર સહિત મુખ્ય બજારમાં આવેલી વિવિધ સોના-ચાંદીની દુકાનો અને મોટા જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીની ચીજવસ્તુઓ તેમજ આભૂષણોની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યાં હતા. નગરજનોએ પોતાની શક્તિ મુજબ સોના ચાંદીના દાગીનાની શુભ મુહૂર્તમાં ખરીદી કરી હતી.
ઝવેરી બજારમાં આકર્ષક સ્કીમ : ધનતેરસના દિવસે પાટણમાં કેટલી જ્વેલર્સ શોપમાં આકર્ષક સ્કીમ પણ મુકવામાં આવી હોવાથી તેનું આકર્ષણ વધારે હતું. તો કેટલીક દુકાનોમાં સોના-ચાંદીની ચીજવસ્તુ ખરીદનાર ગ્રાહકને બ્રાહ્મણ દ્વારા વિધિવત રીતે તે વસ્તુનું પૂજન કરીને આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ પાટણમાં નગરજનોએ ઉમંગ સાથે શુભ મુહૂર્તમાં સોના ચાંદીના દાગીના અને ચીજ વસ્તુઓની ખરીદી કરી ધનતેરસની ઉજવણી કરી હતી.
5 કરોડનાં દાગીના વેચાશે ! પાટણના સોના-ચાંદીના વેપારીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરે છે. ચાલુ વર્ષે પાટણ શહેરમાં ખરીદીનો માહોલ સારો હોવાથી એક અંદાજ મુજબ સોનાના આભૂષણો અને ચાંદીની ચીજ વસ્તુઓ મળી અંદાજે પાંચ કરોડ રૂપિયાનું વેચાણ થાય તેવી શક્યતા છે.