- ભારતભરમાં માતૃતર્પણ માટેનું એકમાત્ર સ્થળ એટલે સિદ્ધપુરનું બિંદુ સરોવર
- આ સ્થળ ઉપર ભગવાન નારાયણે નાની ઉંમરમાં માતાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યુ હતુ
- ભગવાન પરશુરામે માતૃ હત્યાના ઋણમાંથી મુક્ત થવા માટે અહીં પિંડદાન કર્યું હતું
પાટણ: હજારો વર્ષ પહેલા મહર્ષિ કદર્મ અને માતા દેવહુતિએ પુત્રની ઝંખના માટે સરસ્વતી નદીના કિનારે કઠોર તપસ્યા કરી હતી. જેને લીધે આ ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઋષિ દંપતીની તપસ્યા જોઈને ભગવાન નારાયણે પ્રસન્ન થઈ વરદાનમાં માતા દેવહુતીના કુખે જન્મ લીધો હતો. ભગવાને માતાને નાની ઉંમરમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી માતાનો ઉધ્ધાર કર્યો હતો.
જાણો શુ કહ્યું ગોર મંડળ સિદ્ધપુરના ઉપપ્રમુખ કિરણ શાસ્ત્રીએ
ગોર મંડળ સિદ્ધપુરના ઉપપ્રમુખ કિરણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન કપિલના ઉપદેશથી કૃતાર્થ થયેલી માતા દેવહુતીની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા અને આ બિંદુ નહિ અટકતા ત્યાં સરોવર બન્યું, જે બિંદુ સરોવર તરીકે ઓળખાય છે. આ જગ્યા પર ભગવાન પરશુરામે માતૃહત્યાના ઋણમાંથી મુક્ત થવા માટે પિંડદાન કર્યું હોવાથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જગતભરમાં પ્રખ્યાત થયું છે.
શ્રદ્ધાળુઓ માતૃતર્પણ માટે સિદ્ધપુરના બિંદુ સરોવરમાં આવે છે
દેવહુતિ માતા મંદિરના પુજારી કૃપા વ્યાસે જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જે માતાના દીકરા-દીકરી આ જગ્યાએ આવીને માતા નિમિત્તે જે તર્પણ કરશે, તે આત્મા જન્મ-મૃત્યુના બંધનથી મુક્ત થશે. તેથી આ જગ્યા પર માતૃશ્રાદ્ધ કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતૃતર્પણ માટે સિદ્ધપુરના બિંદુ સરોવરમાં આવે છે.
બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી તર્પણ વિધિ કરાવે છે
માતૃગયા તીર્થ સિદ્ધપુરના બિંદુ સરોવર પર બ્રાહ્મણો યજમાનને બેસાડી મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી તર્પણ વિધિ કરાવે છે. શ્રાદ્ધ વિધિમાં મંત્ર બોલીને 16 પીંડ મૂકવામાં આવે છે. જે પીંડમાં માતાએ ગર્ભધાનથી લઇ પુત્રને મોટો કરવા સુધી જે કષ્ટ ભોગવ્યુ, તેનું ઋણ સ્વીકાર કરી માતાની ક્ષમા યાચના કરાવાય છે. મોક્ષ પીપળા પર પાણીની ધાર કરાવવામાં આવે છે.
ભાદરવા મહિનામાં દેશભરમાંથી લોકો અહીં શ્રાદ્ધ કરવા આવે છે
બિંદુ સરોવરમાં સ્નાન બાદ માતૃ તર્પણ કરી તૃપ્ત થયા હોવાનું માનવામાં આવે છે. ભાદરવા મહિનામાં દેશભરમાંથી લોકો અહીં શ્રાદ્ધ કરવા આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુથી લઇ કર્ણાટક અને રાજસ્થાન તેમજ ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને સરસ્વતી નદી તટ પર તર્પણ કરાવી બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી માતા દેવહુતિ, કરદમ ઋષિ અને ભગવાન ગયા ગજાધરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
પિંડદાન કરવાથી સાત પેઢીઓના પિતૃઓનો મોક્ષ થાય છે
અમદાવાદથી તર્પણ વિધિ માટે આવેલા નંદલાલ જોશીએ જણાવ્યું હતું કે, આ સ્થળ મોક્ષદાયક છે, શ્રાદ્ધમાં જે કોઈ અહીં આવે છે, તેને 100 ટકા ફળ મળે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. પિંડદાનનું વિષેશ મહત્વ રહેલું છે. તેથી પિંડદાન કરવાથી સાત પેઢીઓના પિતૃઓનો મોક્ષ થાય છે. તો અમદાવાદના જીતેન્દ્ર પંડ્યાએ માતૃ તર્પણ વિધિ કરાવી સંતોષ થયાનો અનુભવ કર્યો હતો.
બિંદુ સરોવરનું વાતાવરણ પવિત્ર અને આત્મીય છે: ક્રિષ્ના દવે
બિંદુ સરોવર ખાતે તર્પણ વિધિ કરવા આવેલા વડોદરાના ક્રિષ્ના દવેએ જણાવ્યું હતું કે, અહીં શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ અહીંનું વાતાવરણ પવિત્ર અને આત્મીય છે, જે પરમ શાંતિનો અનુભવ કરાવે છે. બિંદુ સરોવરમાં બ્રાહ્મણો દ્વારા પૂરતા જ્ઞાન અને માર્ગદર્શન સાથે તર્પણ વિધિ કરાવવામાં આવે છે. જેથી અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ માતૃતર્પણ કરી તૃપ્ત થયા હોવાનો અનુભવ કરે છે. શ્રાદ્ધ પક્ષમાં લોકો આસ્થાથી માતૃતર્પણ કરી જનેતાને મોક્ષ ગતિ આપ્યાની અનુભૂતિ કરતા હોય છે. અહીં સામાન્ય વ્યક્તિથી લઇને ઉદ્યોગપતિઓ રાજકીય નેતાઓ અને બોલિવૂડના અભિનેતા પણ માતૃતર્પણ વિધિ માટે આવતા હોય છે.
આ પણ વાંચો- માતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું આ છે એકમાત્ર સ્થળ, પવિત્ર ભૂમિ પર અનેક મહાનુભાવોએ કર્યું છે તર્પણ
આ પણ વાંચો- ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ થયું છે તેવી તપોભૂમિ