પાટણ: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના 65માં જન્મદિવસની ઉજવણી પાટણમાં કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધારપુર સિવિલ હોસ્પિટલના સહયોગથી યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.
નાયબ મુખ્યપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
- પાટણમાં કરવામાં આવી ઉજવણી
- ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા ઉજવણીમાં
- રક્તદાન કેમ્પ યોજી કરાઈ ઉજવણી
- પર્યાવરણને ધ્યાનમાં રાખી ભાજપે વિવિધ પ્રકારના 100 વૃક્ષોનું વાવેતર કર્યું
- જન્મદિવસ અંતર્ગત 999 સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ
- પાટણ જિલ્લામાં 65,000 કપડાના માસ્કનું વિતરણ
ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 100 યુનિટ બ્લડ એકત્ર થયું હતું. આ ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ પ્રકારના 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે.વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ મોહન પટેલ, જિલ્લા પ્રભારી મયંક નાયક સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
નીતિન પટેલના જન્મદિવસ અંતર્ગત 999 સગર્ભા મહિલાઓને પોષણ કીટ તેમજ કોરોના મહામારીના સંદર્ભે જિલ્લામાં 65,000 કપડાના માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચકલી માટે માટીના માળાનું વિતરણ પણ દરેક વોર્ડમાં કરવામાં આવ્યું હતું.