પાટણઃ શહેરમાં છેલ્લા 7 દાયકાથી આરોગ્ય અને માનવ સેવા ક્ષેત્રે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગવું પર્દાપણ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સેવા નજીવા દરે ઉપલબ્ધ થઈ શકે તે માટે રેડક્રોસ સોસાયટી દ્વારા પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક રૂપિયા 4.5 કરોડના ખર્ચે નવનિયુક્ત રેડક્રોસ ભવન, બ્લડ બેન્ક અને ડાયગ્નોસ્ટિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જે બિલ્ડીંગનો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું.
લોકાર્પણ કાર્યક્રમ બાદ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ ભગવાનના નવીન બિલ્ડિંગમાં દાન આપનાર દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. તો સંસ્થાના સેવાદર્પણ 3નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, શહેરનો ઇતિહાસ અને તેની આરોગ્ય અને માનવ સેવાની સુવાસ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. પાટણમાં નવીન રેડક્રોસ ભવનથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્યની વિવિધ સેવાઓ મળી રહેશે. આ અધ્યતન બિલ્ડિંગમાં ઉપલબ્ધ થનારી આરોગ્યલક્ષી સેવાઓ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહેશે.