- કલેક્ટર દ્વારા તર્પણ વિધિ ઉપર રોક લગાવતા ગરીબ બ્રાહ્મણ પરિવારની આજીવિકા છીનવાઈ
- સિદ્ધપુર કોરોના માટે મુક્તિધામમાં થતા અંતિમ સંસ્કારને જવાબદાર ગણાવ્યા
- સરકાર બ્રહ્મ સમાજ માટે સહાય જાહેર કરે અથવા તર્પણ વિધિ શરૂ કરાવે
પાટણઃ સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ ચાલુ કરવામાં આવે તેવી માગ સાથે મંગળવારે સિદ્ધપુર બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો તથા ગોર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા સરકારની ગાઈડલાઇનનો અમલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આવેદનપત્ર આપવામાં સિદ્ધપુર ગોર મંડળ, કર્મકાંડ મંચ, પરશુરામ ગ્રુપ, નિષ્કામ સેવા સમિતિ, ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સંગઠન સહિતના વિવિધ સંગઠનોના હોદ્દેદારો જોડાયા હતા.
માધુ પાવડિયા ઘાટમાં એક પણ કોરોના કેસ ન આવ્યા છતા વિધિ ઉપર પ્રતિબંધ મૂકાયો છે
સિદ્ધપુરમાં બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનોના આગેવાનોએ પ્રાન્ત અધિકારીને આવેદનપત્રમાં જણાવ્યું કે, સિદ્ધપુરમાં દર વર્ષે કાર્તિક મહિનામાં દેશભરના લોકો તર્પણ વિધિ માટે આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નોંધાતા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી તર્પણ વિધિ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જેથી સિદ્ધપુરના બ્રાહ્મણ સમાજના ગરીબ પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે. માત્ર કારતક મહિનામાં તર્પણ વિધિ કરાવી તેની કમાણી ઉપર આખું વર્ષ પરિવારનું ગુજરાન ચલાવતા કર્મકાંડી બ્રાહ્મણોની હાલત કફોડી બની છે. કોરોનાના કેસ વધવા પાછળ સિદ્ધપુર મુક્તિધામમાં કોરોના પોઝિટિવ મૃતદેહોના કરવામાં આવતા અંતિમ સંસ્કાર અને સાથે આવતા પરિવારજનો છે, જે નગરમાં જ્યાં ત્યાં ફરે છે તેના કારણે અન્ય લોકો પણ સંક્રમિત બને છે. બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ કે જ્યાં તર્પણ વિધિ કરવામાં આવે છે ત્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ છતાં તર્પણ વિધિ ઉપર પ્રતિબંધ મૂકતા આજીવિકા છીનવાઈ છે. સરકાર દ્વારા કાતો સહાય જાહેર કરવામાં આવે અથવા તાકીદે તર્પણ વિધિ શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.