- ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું મોત
- ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા બે આરોપીને પોલિસે પકડ્યા
- પોલીસ સ્ટેશનમાં પોલીસના મારને લઈ મોત નીપજ્યું હોવાનો કરાયો આક્ષેપ
- પ્રાંતઅધિકારી અને DYSP સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
પાટણ: જિલ્લાના ચાણસ્મા ગામે મંગળવારના ગામના પોલીસ દ્વારા ટીંબાવાસમાં જાહેરમાં ખુલ્લા ઓટલા ઉપર જુગાર રમતા રાવળ દિનેશ સહિત એક સખ્શને બે મોબાઇલ અને આ સાથે કુલ રૂ 4110ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચાણસ્મા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આ આરોપીઓના જામીન આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ રાવળ દિનેશની તબિયત એકાએક લથડતાં પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે તેને ચાણસ્મા પ્રાથમિક આરોગ્ય સેન્ટર( Chansma Primary Health Center) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ચાણસ્મા પોલીસ મથકે ભારે હોબાળો મચ્યો
ફરજ પરના તબીબે આરોપીને મૃત જાહેર કરાયો હતો, જયારે આ બાબતની જાણ મૃતકના પરિવારજનોને થતાં મોટી સંખ્યામાં લોકો ચાણસ્મા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસના મારથી યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો. તે સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડતા પોલીસના ઉચ્ચ અધિકારી અને પ્રાંત અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાંત અધિકારી દ્વારા પરિવારજનો સાથે વાતચીત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોએ મૃતકનું પીએમ પેનલ ડોકટરની (Penal Doctor) મદદથી અમદાવાદ ખાતે કરવાની માંગ કરી હતી. જેથી પોલીસે મૃતકની લાશને પીએમ માટે અમદાવાદ ખસેડી હતી. મૃતકના ભત્રીજાએ જણાવ્યું હતું કે પોલીસે રેડ કરી બંનેને લોકઅપમાં પૂર્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનના ધાબા ઉપર લઈ જઈ માર મારવાથી આ બનાવ બન્યા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: સોનાની વી.સી. સ્કીમના નામે વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરનારા ઠગની ધરપકડ
પ્રાંતઅધિકારી અને DYSP સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં
ચાણસ્મા પોલીસ મથકે કસ્ટોડિયલ ડેથ (Custodial death) અંગે પાટણ DYSP આર.પી. ઝાલાએ ( R.P Zala) જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે જુગારની રેડ કરી બે સખ્શોને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન રાવળ દિનેશની તબિયત લથડતાં તેને સરકારી વાહનમાં ચાણસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મરણજનાર છેલ્લા એક વર્ષથી ટીબીની સારવાર લઈ રહ્યો હોવાનું ડોક્ટરે મૌખિક જણાવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને મૃતદેહનું પંચનામુ પાટણ પ્રાંત અધિકારીની રૂબરૂમાં વીડિયોગ્રાફી સાથે કરાવવામાં આવ્યુ છે, તેમજ પેનલ ડોકટરની મદદથી પીએમ થાય તે માટે મૃતકની લાશને ફોરેન્સિક મેડિકલ ( Amdavad Forensic Medical College)
કોલેજ અમદાવાદ ખાતે મોકલવામાં આવી છે, ત્યાં વીડિયોગ્રાફી સાથે પીએમ કરાશે. હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ નેચરલ મોત લાગે છે, તેમ છતાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના (Chansama Police Station) સીસીટીવી કેમેરા કબજે લઇ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે પોલિસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: પાટણમાં કોરોના રસી લેનારને ડ્રો મારફતે આપવામાં આવે છે ખાદ્યતેલ