પાટણ : સિદ્ધનાથ મહાદેવના મંદિર પર ઇદગાહનું નિશાન બનાવાયું છે. જેના લીધે વિધર્મીઓના આક્રમણ વખતે આ મંદિર બચી ગયું હતું. જે આજે પણ મંદિરના શિખર ઉપર જોઇ શકાય છે. જેના લીધે આ મંદિર શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા ધરાવે છે. તો અહીં નેપાળ નરેશ દ્વારા આપવામાં આવેલ ઘંટ પણ જોઈ શકાય છે. તેના આવા મહત્વને લીધે લોકો આ મંદિરમાં ખાસ દર્શનાર્થે આવે છે.
શિવરાત્રીના દિવસે સવારથી આ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા દર્શન અર્થે ઊમટ્યા હતા. અને ભગવાન સદાશિવની પૂજા કરી અભિભૂત થયા હતા. શિવરાત્રીના પાવન પ્રસંગે અનેક શ્રદ્ધાળુઓએ મંદિરમાં આવી પૂજા અર્ચના અને અભિષેકનો લ્હાવો લીધો હતો.
સિધ્ધનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચિન છે. રાજા સિદ્ધરાજના સમય વખતનું આ મંદિર હોય તેવું માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આ મંદિરમાં અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઇ ધન્યતા અનુભવે છે.