પાટણ: શહેરમાં સ્થાનિક લેવલે કોરોનાનું સંક્રમણ અલગ અલગ વિસ્તારોમાં પ્રસરી રહ્યું છે. સોમવારના રોજ વધુ એક એમ.ડી તબીબ અને તેમના વૃદ્ધ માતા-પિતા કોરોનાનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં શહેરમાં 6 ડોક્ટર સહિત 47 લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 116 પર પહોંચ્યો છે.
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા અને રેલવે સ્ટેશન રોડ પર જીગર હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ ધરાવતા એમ.ડી તબીબ જયેશ પંછીવાલાને તાવ અને ખાંસીની તકલીફ થઈ હતી. આ ઉપરાંત તેમના 84 વર્ષીય પિતા અને 82 વર્ષીય માતાને પણ તાવ સાથે ખાસીની તકલીફ થતા ત્રણેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાની ઝપેટમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ખાનગી હોસ્પિટલના ઉપર આવેલા તેમના રહેણાંક મકાન તથા હોસ્પિટલને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.
કોરોનાને માત આપી સ્વસ્થ થનાર અમદાવાદના બે અને પાટણ તાલુકાના સન્ડેર ગામના એક દર્દી મળીને ત્રણ દર્દીઓને પાટણની જનતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.