પાટણ: શહેરમાં આ ઉપરાંત તાલુકાના ચંદ્રુમાણા ગામે પણ ૪૫ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પાટણ જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 88 થઈ છે. ખડીયાસણ ગામના 68 વર્ષીય કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુ આંક 7 થયો છે.
પાટણ ચાણસ્મા હાઇવે રોડ પર જીઈબી પાસે આવેલ વર્ધમાન નગર સોસાયટીમાં રહેતા અને નવજીવન ચાર રસ્તા પર સરદાર કોમ્પ્લેક્ષમાં આધાર વુમન્સ નામની હોસ્પિટલ ધરાવતા ગાયનેક તબીબ કલ્પેશ વઢેરને તાવ સાથે કોરોના લક્ષણો દેખાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પોઝિટિવ આવતા ગાયનેક તબીબને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જ્યારે તેમના સંપર્કમાં રહેલા પત્ની અને અન્યને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે પાટણના ટીબી ત્રણ રસ્તા પર આવેલ મારુતિ નગર સોસાયટીમાં રહેતા અને આંખની ખાનગી હોસ્પિટલ ધરાવતા તબીબની માતા કાશ્મીરાબેનને હાઇપરટેન્શન સાથે ડાયાબીટીસ તેમજ અશક્તિ જણાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા કોરોના ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શહેરમાં વધુ બે કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઇ હતી. બંને વિસ્તારોમાં સેનેટાઈઝરની કામગીરી સાથે કન્ટેનમેન્ટ જોન જાહેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સિધ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામના 68 વર્ષીય કોરોના ગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું.