પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે પાટણમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલના અધ્યક્ષતામાં જન વેદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેરોજગારી, રદ્દ થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખેડૂતોની આત્મહત્યા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે છેલ્લા એક મહિનામાં 36 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમજ ખેડૂતોને પાક વીમાની યોગ્ય ચુકવણી કરવામાં આવી નથી. આ ઉપરાંત અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની સામે ખેડૂતોને પૂરતી સહાય ન મળતી હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસે ભાજપ પર કર્યા હતાં.
જન વેદના કાર્યક્રમ બાદ રાધનપુરના ધારાસભ્યની અધ્યક્ષતા હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. અંતમાં જિલ્લા કલેક્લટરની કચેરીએ પહોંચી નિવાસી કલેક્ટરેને મોંઘવારી, બેકારી, આર્થિક મંદી અને કથળાયેલી કાયદા વ્યવસ્થાને અંગે આવેદન પાઠવ્યું હતું.