● નગર પાલિકાના નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
● બિલ્ડીંગની છતમાંથી પાણી ટપકતા કોંગ્રેસે કર્યા દેખાવો
● કોંગ્રેસ કાર્યકરોએ છત્રીઓ સાથે અનોખી રીતે કર્યો વિરોધ
પાટણઃ શહેર નગરપાલિકાના તાજેતરમાં જ કરોડોના ખર્ચે નિર્માણાધીન કરેલા નવીન બિલ્ડીંગમાં માત્ર બે મહિનામાં જ છતમાંથી શૌચાલયનું પાણી કોઈ કારણોસર નીચે આવેલી કેટલીક શાખામાં ટપકતા આ બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગુરુવારે કોંગ્રેસ દ્વારા છત્રીઓ લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
બિલ્ડીંગની છતમાંથી પાણી ટપકતા કોંગ્રેસે કર્યા દેખાવો
પાટણ નગરપાલિકાનાં નવા બિલ્ડીંગનું ગત્ત તા 4-10-2020 ના રોજ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન થયા પછી નવેમ્બરમાં લગભગ લાભપાંચમે મોટાભાગની શાખાઓ અને તેનાં દફતરોને જૂના બિલ્ડીંગમાંથી ખસેડીને નવા બિલ્ડીંગમાં શિફટ કરાઇ હતી. આ બિલ્ડીંગમાં કામગીરી શરુ થયે હજું માંડ બે મહિના પણ નથી થયાને ઉપરનાં માળે આવેલા શૌચાલય બ્લોકમાં કોઇ ક્ષતિ રહી ગઈ હોવાથી તેનું પાણી છત ચિરીને નીચેની સ્ટ્રીટલાઇટ શાખાનાં બંને ખુણામાં નિતરી રહ્યું હોવાથી અધિકારી અને કર્મચારીઓ પણ આશ્ચર્ય અનુભવવાની સાથે પરેશાન થયા છે. નવીન બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકા ખાતે વિવિધ બેનરો અને છત્રીઓ સાથે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
નવા બિલ્ડીંગના બાંધકામ મુદ્દે અગાઉ ઉપ પ્રમુખે ઉઠાવ્યા હતા સવાલો
પાટણ નગરપાલિકાના નવીન બિલ્ડીંગના બાંધકામમાં ગુણવત્તા મુદ્દે નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે સવાલો ઉઠાવ્યા હતા, ત્યારે બિલ્ડીંગની છતમાંથી પાણી ટપકતા બિલ્ડીંગની ગુણવત્તા અંગે હાલમાં અનેક સવાલો ઉભા થયા છે.