- EVMમાં બેલેટ પેપર સીલ કરવાની કામગીરીનો પ્રારંભ
- પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ઉમેદવારોના બેલેટ પેપર મશીનમાં કરાયા ફિટ
- EVM સીલ કરવાની કામગીરી ત્રણ દિવસ ચાલશે
પાટણ : શહેરની નગરપાલિકાના 11 વૉર્ડ માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ત્યારે સોમવારે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA ભવનમા આવેલા EVM સ્ટ્રોંગ રૂમને ખોલવામાં આવ્યાં હતાં. 11 વૉર્ડના 67 બિલ્ડિંગમાં આવેલા 112 મતદાન બૂથ પર મૂકવામાં આવનારા EVMની ચકાસણી કરીને તેમાં જે તે ઉમેદવારોના નામ સાથેના બેલેટ પેપર ફિટ કરી ટેકનિશિયન કર્મચારીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ મશીનોને સીલ કરવામાં આવ્યાં હતાં.
112 EVM સીલ કરવાની કામગીરી શરૂ
ચૂંટણી અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, 112 મતદાન મથકો માટે 112 EVM તથા રિઝર્વ મશીન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી 3 દિવસ સુધી ચાલશે. વૉર્ડ નંબર 2 અને 3માં 14 કરતાં વધુ ઉમેદવારો છે, જેથી આ બન્ને વૉર્ડના મતદાન બૂથ પર બે EVM મૂકવામાં આવશે. તેમજ ચાલુ મતદાન સમયે EVMમાં યાંત્રિક ખામી સર્જાય તો તેવા કિસ્સામાં મતદાનની પ્રક્રિયા ન ખોરવાય તે માટે રિઝર્વ મશીન તેમજ ટેકનિશિયનની ટીમ પણ હાજર રહેશે.