- પાટણ જિલ્લામાં માર્ચ સલામતી માસનો પ્રારંભ
- જિલ્લા કલેક્ટરે ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને પુષ્પ આપ્યુ
- સ્વૈચ્છિક રીતે ટ્રાફિક નિયમનું પાલન કરવા શપથ લેવડાવ્યા
પાટણ : દર વર્ષે કરવામાં આવતી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીને ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર માસ દરમિયાન ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 18 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી એક માસ સુધી ટ્રાફિક અવેરનેસ માટેના વિવિધ કાર્યક્રમો જિલ્લા વહીવટી તંત્ર, ટ્રાફિક પોલીસ તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કરવામાં આવશે. ત્યારે મંગળવારે જિલ્લા કલેકટર સુપ્રીત સિંગ ગુલાટી અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ શહેરના બગવાડા દરવાજા ખાતેથી માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો હતો અને ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને પુષ્પા આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સીટબેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવા અને ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ ન કરવા તાકીદ કરી હતી. તો ટ્રાફિક નિયમોનું સ્વેચ્છાએ પાલન થાય તે માટેના શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યા હતા.
માર્ગ સલામતી માસ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક અવેરનેસ માટેના ટેમ્પ્લેટ તથા પુષ્પ આપવામાં આવશે. આ સાથે સાથે એસ.ટી બસ તથા સરકારી કચેરીઓના ડ્રાઇવરોને તાલીમ, આંખ નિદાન કેમ્પ ,બ્લડ ડોનેશન કેમ્પ, ચિત્ર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધા, શાળાના બાળકો માટે રોડ સેફટી વેબીનાર સહિતની જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. તેમજ RTO કચેરી દ્વારા જિલ્લાના વિવિધ રસ્તાઓ પર પસાર થતા વાહનો પર રેડિયમ રિફલેક્ટર પણ લગાવવામાં આવશે.