- જિલ્લાના વિવિધ ગામોમાં હાથ ધરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાન
- સતત બે વર્ષથી પાટણ જિલ્લાને મળી રહ્યો છે સ્વચ્છતા માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર
- દિવાળીમાં ઘરની સાથે ગામને પણ સ્વચ્છ કરવા પાટણ વહીવટી તંત્રની અનોખી પહેલ
- જિલ્લાના તમામ તાલુકાઓમાં અધિકારીઓ એ ગામ લોકો સાથે કરી બેઠકો
- ગામના લોકોને શ્રમદાન કરવા અપીલ કરવામાં આવી
પાટણઃ પાટણ જિલ્લા વહિવટી તંત્રના સચોટ આયોજન અને લોક ભાગીદારી થકી સતત બે વર્ષ સુધી પાટણ જિલ્લાને ગ્રામીણ સ્વચ્છતા માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સીલસીલો યથાવત્ રાખવા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના સહયોગથી જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના તમામ શહેરો દિવાળી પહેલા સ્વચ્છ થાય તે માટે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલ પરથી પ્રેરણા લઈ જિલ્લા વિકાસ અધિકારીએ પાટણ જિલ્લાના દરેક ગામોમાં દિવાળી પહેલા સ્વચ્છતા થાય તે માટે ટૂંકા ગાળાનું અને લાંબાગાળાનું એમ બે પ્રકારના આયોજનો નક્કી કર્યું છે. ટૂંકા ગાળાના આયોજનોમાં લોક ભાગીદારી મજબૂત કરી, ગામ લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા, વોર્ડ વાઈઝ ગંદકીની જગ્યાઓ નક્કી કરી ગામમાં ગંદકીના ઢગલા દૂર કરવા, ખાડા પૂરાણ કરવા, પાણીના લીકેજ દૂર કરવા, ઝાડી ઝાંખરા દૂર કરવા, રંગરોગાન કરવું, ભીતે સૂત્રો લખવા, પ્લાસ્ટિકનો કચરો દૂર કરી તેનું સેગ્રિગેશન કરવું જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્વચ્છતાને જીવનશૈલીનો હિસ્સો બનાવવા જિલ્લા વિકાસ અધિકારીની અપીલ
જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખ જણાવે છે કે, દિવાળી અને નવા વર્ષના આગમન પહેલાં સૌ પોતાના ઘરની સાફસફાઈ તો કરતા જ હોય છે, તો સાથે સાથે ગામની પણ સફાઈ કેમ નહીં, આ વિચાર સાથે જિલ્લાના દરેક ગામને શ્રમદાન થકી સ્વચ્છ બનાવી આગામી નૂતન વર્ષમાં સ્વચ્છતાને જીવનશૈલીનો હિસ્સો બનાવવા સૌ સંકલ્પબદ્ધ થાય તે માટેનો આ પ્રયાસ છે. પાટણના મણુંદ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી. સાથે સાથે તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે રુબરુ સંવાદ સાધી ગામની સફાઈ માટે શ્રમદાન કરવા અપીલ કરી હતી.