પાટણ: પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘની 72 મી અને રણુજ નાગરિક સહકારી બેંક પાટણ ની 51મી વાર્ષિક સાધારણ સભા જિલ્લાના સહકારી આગેવાન અને સંઘના ચેરમેન દશરથ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં બંને સંસ્થાના સભાસદો અને જિલ્લાના સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સહકારી આગેવાન ડીજે પટેલે સહકારી માળખામાં સરકારની દખલગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી આકરા પ્રહારો કર્યા હતા.
ગુજકોમાસોલમાં વ્યાપક ભ્રષ્ટાચાર: ખરીદ વેચાણ સંઘના ચેરમેન દશરથભાઈ પટેલે સહકારી માળખામાં સરકાર પોતાના ડિરેક્ટરો ગોઠવી આધીપત્ય જમાવી રહી હોવાના પ્રહારો કરી જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં સરકારની છત્ર છાયા નીચે બિન અનુભવીઓ ડિરેક્ટરો બની સહકારી સંસ્થાઓનો વહીવટ કરી રહ્યા છે. ગુજરાતની ટોપની સહકારી સંસ્થાઓની આવી જ પરિસ્થિતિ છે. તેમને જણાવ્યું હતું કે જ્યારે તેઓ ગુજકોમાસોલમા ડિરેક્ટર બન્યો ત્યારે જાણવા મળ્યું હતું કે નવા ડિરેક્ટરો તો જેસીબી મશીનની જેમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને સહકારી માળખામાં તો ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને આવા ભ્રષ્ટાચાર વિરોધમાં હાઇકોર્ટમાં પીટીશન પણ દાખલ કરી છે.
'સરકાર દ્વારા મજબૂત સહકારી સંસ્થાઓને તોડવામાં આવી રહી છે. મજબૂત સંસ્થાઓ તેના સભાસદોને વધુ લાભ આપવા માંગે છે પરંતુ સરકારના નિયમોને કારણે આપી શકાતી નથી. આ પ્રશ્ને મેં સહકાર પ્રધાનને પણ રજૂઆત કરી છે. દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં સહકારી સંસ્થાઓનું મોટું યોગદાન રહેલું છે ત્યારે તેને રાજકારણથી મુક્ત રાખવી જોઈએ જે સંસ્થાનો સંચાલક મજબૂત અને વહીવટી કાર્યકુશળ હોય તે જ સંસ્થા મજબૂત બને છે અને આવી મજબૂત સંસ્થાઓમાંથી ધિરાણ લઈ પશુપાલકો અને ખેડૂતો સમૃદ્ધ બને છે.' -કિરીટ પટેલ, ધારાસભ્ય, પાટણ
બિન અનુભવીઓનું આધિપત્ય: સરકાર દ્વારા સહાયના નામે ખેડૂતોની મશ્કરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ખેડૂતો અને સામાન્ય માણસને ફાયદો પહોંચાડવા સહકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે પરંતુ સરકારની દખલગીરીના કારણે હાલ સહકારી માળખું પણ સરકારના પ્રભાવમાં આવી ગયું છે અને સંસ્થાઓ હસ્તગત કરવા પ્રપંચ સાથે રાજકારણ રમાઈ રહ્યું છે સરકારની છત્રછાયામાં બિનઅનુભવી લોકોએ સહકારી માળખામાં આધિપત્ય જમાવ્યું છે.