હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો 31મો આંતર કોલેજ ખેલકૂદ ત્રિદિવસીય રમતોત્સવમાં પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાંથી 63 કોલેજોના 800 યુવા ખેલાડીઓએ દોડ,ગોળા ફેક, ચક્ર ફેક, લાંબી કૂદ, ઉંચી કૂદ, સહિતની 24 રમતોમાં ભાગ લઈ શ્રેષ્ટ દેખાવ કર્યા હતા. આ સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને યુનિવર્સિટીના કુલપતિ ડો .અનિલભાઈ નાયકની ઉપસ્થિતિમાં ઇનામો આપવામાં આવ્યા હતા. આ રમતોત્સવમાં પાટણ ખાતે 7 નવા રેકોર્ડ બન્યા છે. જે પૈકી ચાર બહેનોએ અને ત્રણ રેકોર્ડ ભાઈઓએ તોડ્યા છે. જે સૌના માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો અનિલભાઈ નાયકે જણાવ્યુ હતું કે, હવે ગામડાનું નાનું રમતગમતનું મેદાન પણ ગ્લોબલ બની ચૂક્યું છે. આજે નાના ગામડા કે, અંતરિયાળ વિસ્તારમાથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ ઊભરી રહયા છે. માત્ર દેશ લેવલે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તર ગુજરાતના ખેલાડીઓએ પોતાનું કૌવત દેખાડ્યું છે. યુનિવર્સિટી પણ આ રમતવીર યુવા ચહેરાઓને તમામ મદદ પૂરી પાડી રહી છે. આવનારા ભવિષ્યમાં અન્ય ઊભરતા રમતવીરોને મદદ કરવા યુનિવર્સિટી હમેંશા તેની સાથે છે. તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ તકે યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન શૈલેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, દેશના અન્ય પ્રદેશોની જેમ ઉત્તર ગુજરાતનો વિસ્તાર પણ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરે. જે માટે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પ્રયત્નશીલ છે. આગામી સમયમાં 9 કરોડના ખર્ચે બની રહેલા સ્પોર્ટ્સ સ્ટેડિયમનું પણ ઉદ્ઘાટન થશે. અને રાજ્ય સરકાર પાસે નવી 13 કરોડની દરખાસ્ત મુકાઇ છે. જેમાં ક્રિકેટ મેદાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય સુવિધાઓ સાથેની ઇન્ડોર આઉટ ડોર ફેસીલિટી ઊભી કરાશે. તેમજ હોકી, ખો ખો માટેના મેદાન બનાવવા જણાવ્યું હતું. તેમણે જીતેલા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરી આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
રમત-ગમત સમાપન સમારોહમાં જે અધ્યાપકોએ PHDની પદ્મી પ્રાપ્ત કરી હોય તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં છેલ્લાં ત્રણ વર્ષથી ભાગ લઈ રેકોર્ડ બનાવતી વિધાર્થીનીએ આ સ્પર્ધામાં પાંચ અને દશ મીટરની દોડમાં રેકોર્ડ બનાવ્યો છે. અને આગામી સમયમાં બેગ્લોર ખાતે યોજાનાર ઈન્ટર યુનિવર્સિટીની સ્પર્ધામાં રાજ્યમાં એક થી ત્રણ નંબરમાં આવે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.