પાટણ: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે (Regional Science Center at Patan) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં (Regional Science Center Patan) આવ્યું હતું.
આ પણ વાંચો: યુ.કે.ના ફિલ્મ ફેસ્ટિવલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મની થઇ પસંદગી
અદ્યતન સુવિધાઓ સાથેનું સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ: પાટણમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા બાદ વિશ્વ ફલક ઉપર પાટણની ખ્યાતિ ફેલાઈ છે ત્યારે ગુજરાતની આ પ્રાચીન રાજધાનીની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયુ છે અને દેશ-વિદેશના પર્યટકો અને સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને આકર્ષવા અને તેમને જરૂરી માહિતી મળી રહે તે માટે પાટણ નજીક સરસ્વતી તાલુકાના સમાલપાટી વિસ્તારમાં 10 એકર જમીનમાં અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક અને અદ્યતન સુવિધાઓ સાથેનું સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લું મુક્યુ છે.

નવી ટેકનોલોજીનો ઉપયોગ: ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સમાલપાટી વિસ્તારમાં નિર્માણ કરાયેલ સાયન્સ મ્યુઝિયમ અને ડાયનાસોર પાર્કમાં અલગ અલગ પાંચ ગેલેરીઓ બનાવવામાં આવી છે, જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરી, હાઈડ્રોપોનિક્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાયનાસોર ગેલેરીને ઇન્ડોર અને આઉટડોર એમ બે ભાગમાં બનાવવામાં આવી છે, જેમાં બહારના ભાગે મેદાનમાં નાનાથી માંડી 70 ફૂટ સુધીના મોટા કદના 10 ડાયનાસોર મુકવામાં આવ્યા છે, જેનું જીવંત દર્શન નજીકથી કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરાઈ છે, આ ઉપરાંત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીંયા થ્રીડી ને બદલે 5D થિયેટર બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મે મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો આંચકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો
વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ: સાયન્સ મ્યુઝિયમ ખાતે હ્યુમન સાયન્સ ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જે સાયન્સમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. આ ગેલેરીમાં માનવ અંગોની તમામ જાણકારી અને માનવ શરીરમાં આ અંગો કઈ રીતે કામ કરે છે, તે જીવંત રીતે જોઈ શકાશે તેમજ પૃથ્વી પર જીવનના વિકાસને લગતી રસપ્રદ માહિતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.