પાટણ જીલ્લો રણકાંઠાને પાસે આવેલો જીલ્લો છે. આ જીલ્લામાં પાણીની સમસ્યા લોકોની મુખ્ય સમસ્યા છે. વિસ્તારની જમીનમાં પાણીના સ્તર ઊંચા આવી શકે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેક ડેમ બનાવવામાં આવ્યા છે. પાટણ જીલ્લામાં કુલ 9 તાલુકાનો સમવેશ થાય છે.
જેમાં 2233 જેટલા જુદા જુદા વિસ્તારોમાં ચેકડેમ બનાવવામાં આવ્યા છે. પાટણ અને સાર્સ્વતી તાલુકામાં 438, ચાણસ્મા તાલુકામાં 211 હારીઓજ તાલુકામાં 193 રાધનપુર તાલુકામાં 379 સમી અને શંખેશ્વર તાલુકામાં 257 તેમજ સિદ્ધપુર તાલુકામાં 151 ચેકડેમોનું નિર્માણ થયેલ છે. આ ચેકડેમ બનાવવા પાછળ સરકારે અંદાજે રૂપિયા 91 કરોડ ખર્ચ કર્યો છે. આ કરોડોનો ખર્ચ ઉપયોગી નથી. કારણ કે, અહીની જમીનમાં પાણીના સ્તર ઊંચા આવ્યા નથી, કે કોઈ કુવા રીચાર્જ થયા છે.
પાટણ જીલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જીલ્લો છે. અહીના લોકો મોટાભાગે વરસાદ પર આધારિત રહેતા હોય છે. વરસાદની અછત સર્જાય તો જમીનમાં પાણીના સ્તર ઊંચા હોય તો સરળતાથી ખેતી કરી શકે તેમ છે. આ જીલ્લામાં બનાવેલા ચેક ડેમની જાળવણી કે સમારકામના અભાવના કારણે ચેકડેમ દુરસ્ત બન્યો છે.
પાટણમાં જયારે અમારા ETV ભારતના રિપોર્ટર દ્વારા તપાસ કરવામાં આવી તો જીલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં બનાવેલ ચેકડેમોની સ્થિતિ અલગ જ જોવા મળી હતી. ચેકડેમો પાણી વગરના ખાલીખમ જોવા મળ્યા હતા. તો સાથે જ તૂટેલી હાલતમાં પણ ચેકડેમ નજરે પડ્યા હતા. પાટણ સિંચાઈ વિભાગમાં જયારે તપાસ કરવામાં આવી ત્યારે કચેરીમાં તો કાગળ ઉપર સબ સલામત હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતુ. પરંતુ વાસ્તવિકતા જોઈ તમે પણ ચોક્કસથી જાણશો કે, પાટણ જીલ્લામાં ચેકડેમની સ્થિતિ શું છે. ત્યારે સવાલ એ થાય છે કે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ચેકડેમો પાછળ શું માત્ર ને મત્ર ભ્રષ્ટાચાર જ થયો છે ?