- પાટણ પંથકમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત
- રાધનપુર અને સાંતલપુર પંથકમાં વધુ એકવાર કેનાલમાં પડ્યુ ગાબડુ
- કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ
પાટણઃ જિલ્લામાં બે જગ્યાએ કેનાલોમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. રાધનપુર અને સાંતલપુર પંથકમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ હોય તેમ શનિવારે પણ ગાબડું પડતાં કૃષિ પાકને નુકશાનની સ્થિતિ બની છે. સાંતલપુરની માનપુરા માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું અને જારૂસાને જોડતી બામરોલી ડિસ્ટ્રિ કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં આસપાસના ખેતરોમા પાણી ભરાયા છે.
બામરોલી માઇનોર કેનાલમાં 20 ફૂટનું પડ્યું ગાબડું
જિલ્લામાં નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. શિયાળુ પાકના વાવેતર બાદ બે દિવસ કમોસમી વરસાદ વચ્ચે પંથકના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી સામે આવી છે. શનિવારે સાંતલપુર પંથકની બામરોલી માઇનોર કેનાલમાં 20 ફૂટ જેટલુ ગાબડુ પડયું હતું. ગાબડું પડતાં કેનાલમાંથી લાખો લિટર પાણીનો વેંડફાટ થયો છે. આ સાથે જ નજીકના ખેતરમાં કેનાલનું પાણી ઘુસી જતા જીરુ, રાયડો અને ઘઉં જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે.
માનપુર માઈનોર કેનાલમાં 15 ફૂટનું પડયું ગાબડું
સાંતલપુરની માનપુર માઇનોર કેનાલમાં પણ 15 ફૂટનું ગાબડું પડયું છે. વારંવાર કેનાલમાં ગાબડા પડતા પંથકના ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. બે માસ અગાઉ રીપેરીંગ કરેલી કેનાલમાં ફરીથી ગાબડું પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કેનાલનું પાણી બંધ નહીં થતા શેરપુરા તળાવની પાળ પણ તૂટવાની શક્યતા છે.