પાટણ જિલ્લામાં આવેલા બોરસણ ગામે રહેતો યુવાન પાટણના ઘેટા ફાર્મમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રી દરમિયાન બોરસણ ગામના પ્રવેશ દ્વાર પાસે યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હોવાથી ગામ લોકો દોડી આવીને સારવાર અર્થે તેને લઈ જવાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બાબતે મૃતકના પિતાએ પાટણ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વિભાગ દ્વારા ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતકના પિતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર પોતાના સમાજની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે યુવતીના ભાઈએ ગત રાત્રી દરમિયાન યુવકને ષડયંત્ર રચી ઘરેથી કોઈ બહાનું બતાવી ગામથી દૂર લઈ જઈ છરી વડે ગળા અને છાતીના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ વિભાગ દ્વારા ફરિયાદના આધારે યુવતીના ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.