- પાટણ રોટરી ક્લબ દ્વારા એન્યુઅલ ફંકશનનું આયોજન
- વિશિષ્ટ પ્રોજેક્ટ પર કામ કરનારા સભ્યોને એવોર્ડ એનાયત કરાયા
- સ્વૈચ્છિક સંસ્થાઓને વિવિધ ક્ષેત્રોમાં સક્રિય કામગીરી કરવા અનુરોધ
પાટણ : રોટરી ક્લબ પાટણ દ્વારા વર્ષ 2019-20નો એન્યુઅલ ફંકશન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
રોટેરિયન સભ્યોનું એવોર્ડ આપી સન્માન કરાયું
પાટણ રોટરી ક્લબ દ્વારા સરસ્વતી નદીના કિનારે નિર્માણાધીન રોટરી પ્રયાસ કારગીલ ખાતે એન્યુઅલ ફંકશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1થી કોલેજ કક્ષાના બાળકોને શૈક્ષણિક ઉપલબ્ધિઓ માટે મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે વર્ષ દરમિયાન રોટરી ક્લબના વિવિધ પ્રોજેક્ટ પર કામ કરનારા રોટેરિયન સભ્યોનું મહાનુભાવોના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માન કરી તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
સ્વૈચ્છિક સંસ્થાઓ સમાજના વિવિધ ક્ષેત્રમાં સુધારા લાવવા સક્રિય કામગીરી કરવા અનુરોધ
આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ રણછોડ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના કાળમાં શહેર-જિલ્લા અને દેશને અરાજકતામાંથી વેર-વિખેર થતો બચાવી દેશને સંભાળી લેવા માટે આવી સંસ્થાઓએ મોટી ભૂમિકા ભજવી છે. આવી સંસ્થાઓને સ્વચ્છતા, વૃક્ષારોપણ, રોડ રસ્તા જેવી સેવાઓ જ નહીં પણ સમાજના અનેક ક્ષેત્રમાં સક્રિય કામગીરી કરી સુધારો લાવવા માટે અનુરોધ કર્યો હતો.