સમી તાલુકાના બાસ્પા ગામે સોમવારના રોજ જૂની અદાવતને લઈ નાડોદા અને રાજપૂત સમાજનાં બે પક્ષ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા વાત વણસી હતી. બાદમાં બન્ને પક્ષનાં લોકો ઘાતક હથિયારો લઈ સામસામે આવીને છુટા હાથની મારામારી કરવા લાગ્યા હતા.
આ અથડામણને લઈ ગામમાં દોડધામ મચી ગઈ હતી. આ અથડામણમાં 10 થી વધુ લોકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે સમી અને રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થતા ગામમાં તંગદીલી સર્જાઈ હતી. તેમજ આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ અધિક્ષક DYSP, SOG,LCB સહીતના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે હુમલો કરનાર લોકોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.