- પાટણ જિલ્લામાં નિષ્પક્ષ ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ
- જિલ્લા અને તાલુકા પંચાયતમાં 8,86,610 મતદારો નોંધાયા
- પાટણ નગરપાલિકામાં 1,23,830 મતદારો નોંધાયા
પાટણ: કલેક્ટર સુપ્રીત સિંઘના જણાવ્યા પ્રમણે પાટણમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કુલ 8,86,610 મતદારો નોંધાયેલા છે. પાટણ નગરપાલિકામાં 1,23,830 મતદારો, સિદ્ધપુર નગરપાલિકામાં 46,117 મતદારો અને હારિજ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 2,794 મતદારો નોંધાયેલા છે.
કલેક્ટરની મતદાન કરવા અપીલ
કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ આગામી 28 ફેબ્રુઆરીએ સૌ મતદારોને સ્વૈચ્છિક રીતે આગળ આવીને મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની ફરજ અદા કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે તથા નિષ્પક્ષ ચૂંટણી માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. વર્તમાનમાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાન લઈને દરેક બૂથ પર માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝ સહિતની વ્યવ્સ્થાઓ રાખવામાં આવશે.
પાટણ નગરપાલિકામાં 3 અતિસંવેદનશીલ અને 23 સંવેદનશીલ મતદાન મથકો
નિવાસી અધિક કલેક્ટર બી.કે.જોષીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે થાય અને લોકો એમાં સહભાગી બને એ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. દિવ્યાંગ મતદારો માટે પણ ચૂટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાટણ જિલ્લાના અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા પૂરી પાડતા તેમણે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 49 અતિ સંવેદનશીલ અને 384 સંવેદનશીલ, પાટણ નગરપાલિકામાં 3 અતિ સંવેદનશીલ અને 23 સંવેદનશીલ, સિદ્ધપુર નગરપાલિકામાં 27 સંવેદનશીલ તથા હારિજ નગરપાલિકામાં 2 સંવેદનશીલ મતદાન મથકો છે.