- પાટણ નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા મળી
- શાસક અને વિપક્ષના સભ્યોએ વિકાસ લક્ષી મોટાભાગના કામોને સર્વાનુમત્તે મંજૂર કર્યા
- નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવા તમામ સભ્યોએ સર્વાનુમતે કરાયેલો ઠરાવ
પાટણઃ નગરપાલિકાના સભાખંડ ખાતે ગુરુવારે અંતિમ સામાન્ય સભા મળી હતી, જેમાં એજન્ડા ઉપરના 76 તેમજ વધારાના 29 મળી કુલ 105 કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરમાં રખડતા ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિપક્ષને શાસક પક્ષના સભ્યોએ રજૂઆતો કરી હતી. તો સ્વચ્છતા શાખામાં સફાઇ કામદારોને જરૂરી વસ્તુઓ ખરીદવા તથા વાહન શાખાના વાહનોના મરામત ખર્ચ, રોડ રસ્તા સહિતના કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
લીમડાના વૃક્ષો દૂર કરવા મામલે વિપક્ષે ચીફ ઓફિસર પર કર્યા આક્ષેપ
સામાન્ય સભાની બેઠકમાં ભાજપ કોંગ્રેસના સભ્યોએ એક સૂરમાં ચીફ ઓફિસર સામે પ્રસ્તાળ પાડી હતી અને ઓફિસમાં સતત ગેરહાજર રહી ઠરાવો ઉપર સહીઓ નહીં કરતા વિકાસ કામો તથા પ્રજાના કામો અટવાયા હોવાના આક્ષેપો કરી ચીફ ઓફિસર પાંચાભાઇ માળીની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવો તમામ કોર્પોરેટરોની સહીઓ સાથે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને તે સરકારમાં મોકલવા નિર્ણય કરાયો હતો.
વિપક્ષના સભ્યો સામાન્ય સભામાં લીમડાની ડાળીઓ લઈ આવી અનોખી રીતે કર્યો વિરોધ
પાટણ શહેરના રાજમહેલ રોડ ઉપર ડિવાઇડરની બાજુમાં આવેલ માર્ગને પહોળો કરવા માટે અડચણરૂપ 6 જેટલા જૂના લીમડાના વૃક્ષોને દુર કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈપણ જાતની વહીવટી પ્રક્રિયા કે મંજૂરી લીધા વગર જ બંધ બારણે તેની હરાજી કરાવી નગરપાલિકાને મોટુ નાણાકીય નુકશાન કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા અને સાથે વિપક્ષના સભ્યોએ સામાન્ય સભામાં લીમડાની ડાળીઓ લઈ આવી ચીફ ઓફિસરનો ભારે વિરોધ અને ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.