પાટણ : કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન અમલી કર્યુ છે. જેને કારણે અન્ય રાજ્યોમાથી મજૂરી અર્થે આવેલા શ્રમિકો લોકડાઉનને કારણે જે તે નગર અને શહેરોમાં જ રોકાઈ ગયા છે. ત્યારે લોકડાઉન દરમ્યાન કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા અન્ય રાજ્ય કે જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને માદરે વતન મોકલવાની મંજૂરી આપી છે. જેને કારણે ગુજરાત રાજ્યમાંથી તબક્કાવાર પરપ્રાંતિયોને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યાં છે.
પાટણ શહેર સહિત તાલુકાઓમાં ઉત્તર પ્રદેશના વિવધ જિલ્લાના શ્રમિકો લોકડાઉનમાં ફસાયા હતા. આ શ્રમિકોએ પોતાના વતન જવા માટેની માગણી કરતા પાટણ વહીવટી તંત્ર દ્વારા ઉત્તર પ્રદેશના જાસી, ચિત્રકૂટ, પ્રયાગરાજ, મીરજાપુર જિલ્લાના 208 શ્રમિકોને 6 ST બસો મારફતે મહેસાણા અને ત્યાંથી રેલવે મારફતે વતન રવાના કર્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના બાકીના જિલ્લાના 176 શ્રમિકોને પણ વતન રવાના કર્યા હતા. 50 દિવસ બાદ શ્રમિકોને માદરે વતન જવા મળતા તેઓમાં અનેરી ખુશી જોવા મળી હતી.