પાટણ: અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં પાટણના 24 વર્ષીય યુવકનું કારની અડફેટે મોત થયું છે. 24 વર્ષનો દર્શિલ કે જે વડોદરામાં ખાનગી ફાર્મસી કંપનીમાં નોકરી કરતો હતો. તેણે નોકરીમાં રીઝાઇન મૂકીને વિદેશ ફરવા માટેના વિઝા મેળવ્યા હતા. જ્યાં પૂરઝડપે આવી રહેલ કારે યુવકને જોરદાર ટક્કર મારતા આ કરૂણ ઘટના સર્જાઈ હતી.

કેવી રીતે બની ઘટના: દર્શિલ 9 એપ્રિલના રોજ અમેરિકા ખાતે છ મહિના માટે ફરવા ગયો હતો અને સપ્ટેમ્બર મહિનામાં તેની રિટર્ન ટિકિટ હતી. 31મી જુલાઈના દિવસે રાત્રે તેણે પરિવારના સભ્યો સાથે વીડિયો કોલિંગથી વાતચીત કરી હતી. ત્યારબાદ તે વોકિંગ કરવા માટે નીકળ્યો હતો. રોડ ઉપર સિગ્નલ બંધ હોવાથી તે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન એકાએક સિગ્નલ ચાલુ થતા ગાડીઓનો પ્રવાહ વધ્યો હતો અને પૂર ઝડપે આવી રહેલ કારે યુવકને જોરદાર ટક્કર મારતા તે હવામાં ફંગોળાઈ રોડ ઉપર નીચે પટકાયો હતો. રોડ ઉપર ગંભીર હાલતમાં પડેલા યુવક ઉપર એક પછી એક 14 ગાડીઓ ફરી વળી હતી.

પરિવારજનોમાં શોક: અકસ્માતને પગલે યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મિત્ર દ્વારા તેના પરિવારજનોને મોબાઇલ ફોનથી અકસ્માત અંગેની જાણ કરવામાં આવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. યુવકના મૃતદેહને ભારત પરત લાવવા માટે પરિવારના સભ્યો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અમેરિકામાં અંતિમવિધિ: યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તબીબોએ એવું જણાવ્યું હતું કે મૃતદેહ ભારત લઈ જઈ શકાય તેવી પોઝિશનમાં નથી. આથી પરિવારના સભ્યોએ હ્યુસ્ટન ખાતે જ તેના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને પરિવારના ચાર સભ્યો આજે રાત્રે અમેરિકા જવા રવાના થશે. અમેરિકાના ટેક્સાસ સ્ટેટના હ્યુસ્ટનમાં આવેલ વીન ફોર્ડ સ્મશાન ગૃહમાં રવિવારે સવારે તેની અંતિમવિધિ કરવામાં આવશે.