પાટણઃ મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પાટણમાં વહીવટીતંત્ર, વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી ગાંધીજી અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું.
સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે પાટણમાં શહેરના રેલવે પ્રથમ ગરનાળા પાસે સ્થાપિત કરાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પર વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર ગુલાટીએ બાપુને સુતરની આંટી પહેરાવી તેમના ચરણ કમળમાં વંદન કર્યું હતું. ત્યારબાદ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ ગાંધીજીને સુતરની આંટી પહેરાવી માલ્યાર્પણ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મોહન પટેલે જિલ્લા વાસીઓને ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય સહિત આગેવાનો કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ગાંધી બાપુ અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે ગાંધીના વિચારોથી વિરુદ્ધ ગાંધીના નામે રાજકારણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. ગાંધી કે સરદારના નામે રાજકારણ કરવાને બદલે તેમની વિચારસરણી સાથે અનુરૂપ બનવા સરકારને અનુરોધ કર્યો હતો. સાથે સાથે ગાંધીજીએ આપેલા અગિયાર મંત્રોનું આ કોરોના મહામારીમાં પાલન કરવા સૌને અપીલ કરી હતી. પાટણમાં રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, સિદ્ધહેમ શાખા, લાયન્સ કલબ સહિતની સંસ્થાઓના આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.