ક્લેક્ટર કચેરી ખાતે જળ શક્તિ અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જોઈન્ટ સેક્રેટરી રીના પુરીએ જુદા જુદા વિભાગોની પાણી બચાવો અંગેની યોજનાઓ અંગેની સમીક્ષા કરી હતી. પાટણ જિલ્લામાં સુજલામ્-સુફલામ્, નર્મદા અને ટ્યૂબવેલ દ્વારા પાણી પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે છે. વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, તે પાણીનો ફરીથી ઉપયોગ થાય તે માટે શું શું કરવુ જોઈએ, ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
પાણી બચાવવા માટે મનરેગા દ્વારા થયેલ કામગીરી, બોરવેલ રિચાર્જ, વન વિભાગ દ્વારા થયેલ કામગીરી, ખેત તલાવડી, તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, આડબંધ બાંધવા, ખેડૂતો દ્વારા સ્પ્રિંકલ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીનો ઉપયોગ, હોલિયા દ્વારા પાણીનો સંગ્રહ, સુએઝ પ્લાન્ટ, આત્મા દ્વારા થયેલ કામગીરી, જમીનના પ્રકાર પ્રમાણે પાકની ફેરબદલી કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કરવામાં આવેલી કામગીરી અને કરવાની થતી કામગીરી અંગેના જરૂરી સુચનો રજૂ કર્યા હતા. સાથે સાથે અધિકારીઓ તરફથી પાણી બચાવો અંગેના સુચનો પણ મેળવ્યા હતાં.
પાટણના પિતાંબર તળાવ, સબોસણ ટેન્ક, ગજા ચેકડેમ તથા હાંસાપુર ટેન્કની મુલાકાત દરમિયાન જોઈન્ટ સેક્રેટરી રીના પુરીએ ગ્રામજનોને પાણીના સમજદારી પૂર્વકના વપરાશ તથા જળ સંચયના સ્ત્રોતોની યોગ્ય જાળવણી કરવા અપીલ કરી હતી. આવનારા ભવિષ્યમાં પીવા તથા ખેતી માટેના શુદ્ધ જળ મળી રહે તે માટે જળ શક્તિ અભિયાન દ્વારા પાણીનો બચાવ કરવા જણાવ્યું હતું. આ તકે સબોસણ ખાતે જોઈન્ટ સેક્રેટરી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગના ડાયરેક્ટર ગીરીશ ચંદ્ર એરોન, ટેક્નિકલ ઓફિસર નરેશ પોરવાલ, અધિક કલેક્ટર બી.જી.પ્રજાપતિ, DRAના નિયામક દિનેશભાઈ પરમાર, સુજલામ સુફલામના ડી.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, તાલુકાના પ્રમુખ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.