પાટણ: શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગ પર અને શહેરી વિસ્તારમાં નાના મોટા અકસ્માતોની ઘટના છાશવારે પ્રકાશમાં આવે છે. ત્યારે આવો જ એક બનાવ ફરી એક વાર સામે આવ્યો છે. જેમાં બસની અડફેટે આધેડનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ડેપોમાંથી બસ બહાર નીકળી રહી હતી, તે સમયે આ બનાવ બન્યો હતો.
ઘટના સ્થળે જ મોતને ભેટ્યા: બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર તાલુકાના રંગપુરા ગામે રહેતા હમીરજી મગનજી ઠાકોર પાટણ દવા લેવા આવવા માટે રાધનપુર એસટી ડેપોમાં જઈ રહ્યા હતા. તે સમયે રાધનપુર નવા ભીલોટ રૂટની બસ જે બસ સ્ટેન્ડમાંથી બહાર આવી રહી હતી.જેના ચાલકે ગફલત ભરી રીતે બસ હંકારી જાપા પાસે જ મુસાફર હમીરજી ઠાકોરને અડફેટે લેતા તેઓ નીચે પટકાયા હતા. બસના પૈડા તેઓ પર ફરી વળતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા.
મૃતદેહ ને લારીમાં લઈ જવાયો: આ દ્રશ્ય જોઈ મુસાફરો અને સ્થાનિક ધંધાર્થીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક કોઈ વાહન નહીં મળતા મૃતદેહને હાથલારીમાં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહને સબ વાહિની ની જગ્યાએ હાથ લારીમાં લઈ જવાનું દ્રશ્ય જોઈ લોકોમાં અરેરાટી વ્યાપી હતી. આ કેસની તપાસ કરનાર રાધનપુર પીએસઆઇ સી એન દવે જણાવ્યું હતું કે રાધનપુર બસ સ્ટેશન પાસે આજે સવારે 9:00 વાગ્યાની આસપાસના સુમારે આ અકસ્માતની ઘટના બનવા પામી હતી જે અંગે મૃતકના પૌત્રની ફરિયાદને આધારે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Patan News: સાંતલપુરના ખેડૂતોએ નર્મદાના પાણી માટે કરી ઉગ્ર માંગણી, આવેદન પાઠવી કર્યા પ્રતીક ઉપવાસ