- હારીજ આંગડિયા પેઢી લૂંટનો ભેદ ઉકેલાયો
- તાજેતરમાં પાંચ બુકાનીધારીઓએ છરીની અણીએ અંદાજે સાત લાખની ચલાવી હતી લૂંટ
- લૂંટ ચલાવનારા પાંચ શખ્સોને પાટણ LCB પોલીસે ઝડપ્યા
પાટણ: જિલ્લાના હારિજ નગરમાં આવેલી પી.એમ.આંગડીયા પેઢીમાં તાજેતરમાં મોડી સાંજે કર્મચારીઓ રોજના નિયમ પ્રમાણે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પાંચ બુકાનીધારીઓ એકાએક આંગડિયા પેઢીમાં ઘૂસી આવ્યા હતા અને પોતાની પાસે રહેલા હથિયાર આંગડિયા પેઢીના કર્મચારીઓ સામે ધરી દઈ પેઢીના કર્મચારી પાસે રહેલા અંદાજે રૂપિયા 7 લાખ રોકડ ભરેલો થેલો કર્મચારીને મારી ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હારિજમાં ચકચારી લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન પાટણ LCB પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે હારિજ આંગડિયા પેઢીમા લૂંટ ચલાવનારા શખ્સો બનાસકાંઠાના ખારીયા ગામે ખેતરની ઓરડીમાં સંતાયેલા છે. જેને લઇને પોલીસે હકીકતવાળા સ્થળે રેડ કરી હતી. જ્યાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ફિલ્મી ઢબે જેવી અથડામણ સર્જાઇ હતી અને પોલીસે બહાદુરીપૂર્વક સામનો કરી લૂંટ ચલાવનારા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 45700 તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ પિસ્તોલ, જીવતા કારતૂસ નંગ ત્રણ, બે મોટા છરા મળી કુલ રૂપિયા 1,36, 200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો લૂંટમાં સામેલ વધુ બે આરોપીઓની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
લૂંટમાં પકડાયેલા ત્રણ આરોપીઓ બનાસકાંઠાના થરા ગામના વતની
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, લૂંટની ઘટનાને લઈને પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. છ માંથી ત્રણ શખ્સો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામના વતની છે. આ શખ્સોએ પોતાની ગેંગ મોટી કરવા અને મોટી લૂંટ ચલાવવા માટે રાજસ્થાનના ત્રણ શખ્સોનો સંપર્ક કર્યો હતો. લૂંટ ચલાવવાના આગલા દિવસે ઠાકોર ભાવેશ નામના શખ્સે આંગડિયા પેઢીમાં એક હજાર રૂપિયાનું આંગડીયું કર્યું હતું અને કયા સમયે પેઢીમાં કેસ છે તેની ચકાસણી કરી હતી. જે બાદ સંયુક્ત રીતે આ લૂંટને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ ઉપર છથી બાર જેટલા ગુનાઓ ભૂતકાળમાં નોંધાયેલા છે. તેમજ તમામ આરોપીઓએ ભૂતકાળમાં પોલીસ ઉપર ફાયરિંગ પણ કરેલા છે.