- રાધનપુરમાં કોરોના બેકાબૂ
- સંક્રમણને અટકાવવા લેવાયો મહત્વનો નિર્ણય
- પ્રથમ દિવસે સવારથી જ તમામ બજારો રહ્યા સજ્જડ બંધ
પાટણ: જિલ્લાના રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. રોજે-રોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને અટકાવવા રાધનપુર શહેરમાં 60 કલાકનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવતા શનિવારે પ્રથમ દિવસે જ શહેરના તમામ બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. જેને લઇ બજારો સૂમસામ બન્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સ્વયંભૂ લોકડાઉન પાડશે
બજારોમાં છવાયો સન્નાટો
રાધનપુર પંથકમાં કોરોના સંક્રમણ વધતા રાધનપુરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો છે, તો સંક્રમણની આ ચેઈન તોડવા પ્રાંત અધિકારી ડી.બી.ટાંકના અધ્યક્ષ સ્થાને વિવિધ વેપારી મંડળો, સેવાભાવી સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો અને પોલીસ તંત્ર સાથે બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે શુક્રવારે સાંજે 5 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 60 કલાકનું લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે શુક્રવાર સાંજથી નગરની તમામ દુકાનો ટપોટપ બંધ થઈ હતી, ત્યારે શનિવારે સવારથી જ તમામ બજારો બંધ રહેતા બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો. બીજી તરફ બજારોમાં લોકોની ચહલ-પહલ પણ નહિવત જોવા મળી હતી.
આ પણ વાંચો: રાજપીપળામાં મંગળવારથી 3 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન, પાલિકાએ શહેરને સેનિટાઇઝ કર્યુ
બજારોમાં લોકોની ચહલ-પહલ નહિવત્ બની
રાધનપુર ઉપરાંત શંખેશ્વર, ચાણસ્મા, સિધ્ધપુર, લણવા અને બાલીસણામાં પણ આંશિક લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે.