- ધારપુર હોસ્પિટલમાં નવા 20 ઓક્સિજન બેડ શરૂ કરાયા
- પાટણના સેવાભાવી બિલ્ડર અને નિરમા ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સુવિધા શરૂ કરાઈ
- હોસ્પિટલમાં 4 મેડિકલ ઓફિસર, 2 કન્સલ્ટન્ટ ડૉક્ટરો અને 11 નર્સિંગ સ્ટાફ ફરજ પર
પાટણ: ધારપુર મેડીકલ કોલેજ કેમ્પસમાં આવેલા પરીક્ષા સેન્ટરમાં ઓક્સિજનના 20 બેડની વ્યવસ્થા કરાતા ગંભીર દર્દીઓની સારવાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. નિરમા ઇન્ડસ્ટ્રીઝના માલિક કરશન પટેલ અને પાટણના ઉદ્યોગપતિ બેબા શેઠે કોરોના મહામારીના સમયમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે આ નવી સુવિધા શરૂ કરવા 25-25 લાખ રૂપિયાનું આર્થિક અનુદાન આપ્યું છે. આ કોરોના વોર્ડમાં અત્યારે 4 મેડીકલ ઓફિસર, 2 કન્સલટન્ટ ડોક્ટર, 11 નર્સીંગ સ્ટાફ અને 10 સફાઇ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. આગામી થોડા જ દિવસોમાં આ સુવિધાઓમાં વધારો કરીને 120 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોનાના 155 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કર્યું
ધારપુર ખાતે શરૂ કરવામાં આવેલી આ નવી સુવિધાનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કર્યું હતું. આ ઉપરાંત, કોરોના સંક્રમિત દર્દીઓને અહીં સારી સારવાર ઉપલબ્ધ થશે એવી આશા વ્યક્ત કરી હતી. આ નવા વોર્ડની શરૂઆત વખતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. પરમાર, મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે, ધારપુર મેડીકલ કોલેજના ડીન ડો. યોગેશાનંદ ગોસાઇ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સિદ્ધપુર ખાતે 42 બેડની નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ